રાજસ્થાનથી રાજકોટ લઈ જવાતો ઈંગ્લિશ દારૂનો જથ્થો કઠલાલ પાસેથી પોલીસે ઝડપી લીધો,

• પોલીસે ટ્રક ચાલક સહિત દારૂ ભરી આપનાર બુટલેગર સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
• પોલીસે રૂ, 6.22 લાખના દારૂ સહિત ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 11.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ગાંધીના ગુજરાતમાં પરપ્રાંતિય પ્રદેશમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ધુસાડવામાં આવી રહ્યો છે. રાજસ્થાનથી રાજકોટ લઈ જવાતો રૂ. 6.22 લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો કઠલાલ પાસેના અમદાવાદ-ઈન્દોર હાઈવે પાસેથી ખેડા SOG પોલીસે ઝડપી લીધો છે. ટ્રકમાં નીલગીરના લાકડાઓની આડમાં આ દારૂનો જથ્થો લઈ જવાતો હતો. રાજસ્થાનનો બુટલેગર વોટ્સએપ કોલીંગ દ્વારા ટ્રક ચાલકના સંપર્કમાં રહેતો હતો. આમ આ સમગ્ર મામલો પોલીસના હાથે ચઢતાં પોલીસે ટ્રક ચાલક સહિત દારૂ ભરી આપનાર બુટલેગર સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે.
ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાંથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગતરાત્રે ખેડા SOG પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન ફુલછત્રપુરા ગામ પાસેથી બાલાસિનોર તરફથી આવતી રાજસ્થાન પાર્સિંગની ટ્રક (નં. RJ-12-GA-0689)ને શંકાના આધારે પોલીસે અટકાવી હતી. ટ્રક ચાલકની પુછપરછ કરતા તેણે પોતાનું નામ અર્જુન બંસીલાલ નટ (રહે. નપવાલી, તા. બદેસર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટ્રક ચાલકને ટ્રકમાં શુ ભર્યું છે તે બાબતે તપાસ કરતાં તેણે જણાવ્યું હતું કે ટ્રકમાં નીલગીરના લાકડાઓ છે. પરંતુ પોલીસને શંકા જતાં ટ્રક ચાલકની આડકતરી પુછપરછ આદરી હતી.
દરમિયાન ટ્રકમાં તપાસ કરતાં નીલગીરના લાકડાઓની નીચે એક ગુપ્ત ખાનું બનાવી તેમાં મોટાપ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે પંચોને બોલાવી ઈંગ્લિશ દારૂની જુદા જુદા માર્કાની બોટલોની ગણતરી કરતાં કુલ 3708 બોટલો કિંમત રૂપિયા 6 લાખ 22 હજાર 800ના દારૂ મળી આવ્યો હતો. આ સાથે ટ્રક ચાલક અર્જુન નટની વધુ પુછતાછ આદરતાં ઉપરોક્ત દારૂનો જથ્થો રાજસ્થાનના બુટલેગર રામલાલે ભરી આપ્યો અને રાજકોટ મુકામે ડીલીવરી કરવાનો હતો. જેથી બુટલેગર વોટ્સએપ કોલીંગ દ્વારા ટ્રક ચાલકના સતત સંપર્કમાં રહેતો હતો અને ટ્રક ચાલકને કહ્યું હતું કે સુરેન્દ્રનગર વટાવુ એટલે તું મને જણાવજે જે બાદ તને રાજકોટનું લોકેશન મોકલી આપીશ, પરંતુ આ મનસૂબો પાર પડે તે પહેલાં જ ઈંગ્લિશ દારૂનો જથ્થો પોલીસના હાથે લાગી ગયો છે. પોલીસે ઉપરોક્ત ટ્રક ચાલક સહિત દારૂ ભરી આપનાર બુટલેગર મળી બે વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. આ સાથે ગુનામાં વપરાયેલી ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 11 લાખ 35 હજાર 260નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.