સુરતમાં ગાયનાં છાણમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બની આકર્ષણનું કેન્દ્ર

અત્યાર સુધી તમે બજારમાં છાણ માંથી બનેલા ઇકો ફ્રેન્ડલી દીવા અને ઇકો ફ્રેન્ડલી સ્ટીક જોઈ હશે, પરંતુ હવે તમે બજારમાં છાણમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે. સુરતમાં આ વખતે ગૌસંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં મુકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. તો બીજી તરફ આ રાખડીઓ આદિવાસી મહિલાઓ પાસે બનાવડાવવામાં આવે છે જેના દ્વારા તેઓ રોજીરોટી મેળવી શકે.છેલ્લા ઘણા સમયથી ગૌ આધારિત વસ્તુઓના વપરાશનું પ્રમાણ વધ્યું છે. તેમાં પણ ગાયના છાણનો ઉપયોગ કરીને વિવિધ ઇકોફ્રેન્ડલી વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી દિવાળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ દીવાઓ અને હોળીમાં ગાયના છાણમાંથી બનાવવામાં આવેલ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગાય આધારિત ખેતી પણ વધી છે. જેના કારણે ગાયમાતાનું મહત્વ તો સચવાયુ જ છે.
લોકો માં ઇકોફ્રેન્ડલી અને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે લગાવ પણ વધ્યો છે. અને એમાં પણ આ વખતે છાણમાંથી બનાવેલ ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં હાલ આકર્ષણ જમાવી રહી છે. અને આ રાખડીઓ ઘણી આદિવાસી મહિલાઓને રોજી રોટી પણ આપી રહી છે. વિજયભાઈ અગ્રવાલ કહે છે કે મારી પોતાની ગૌશાળા છે. આ ગૌશાળામાં અમે વિવિધ વસ્તુ ગાયના છાણમાંથી બનાવીએ છે. દિવાળીમાં અમે ઇકો ફ્રેન્ડલી દિવાઓ અને હોળીમાં છાણમાંથી સ્ટીક બનાવીએ છીએ.આ વખતે અમે છાણમાંથી ઇકોફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બનાવી છે. આ રાખડીઓ મેં કચ્છ મારા મિત્રની ગૌશાળામાં પ્રથમ બનાવી અને ત્યારબાદ મારી ગૌશાળામાં આ રાખડીઓ બનાવવાની શરૂઆત કરી. આ રાખડીઓ અમે વૈદિક રાખડીઓ નામ આપ્યું છે. ગાયનું મહત્વ આપણા શાસ્ત્રોમાં ઘણું છે. અને તેથી જ ગાયના છાણમાંથી બનાવેલ વૈદિક રાખડીઓનું પણ ખુબજ મહત્વ છે. આ રાખડીઓ અમે આદિવાસી મહિલાઓ પાસે બનાવડાવીએ છે. જેનાથી તેઓ ને રોજી રોટી મળે છે. અને તેઓ પગભર થાય છે. હાલ 35 જેટલી મહિલાઓ આ વૈદિક રાખડીઓ બનાવી કમાણી પણ કરી રહી છે. આ રાખડી બજારમાં 30 રૂપિયામાં મળે છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા (સુરત)