મોરબી નગરપાલિકામાં મહિલા પ્રમુખ છતાં શાક માર્કેટમાં મહિલા માટે શૌચાલય નથી

મોરબી નગરપાલિકામાં મહિલા પ્રમુખ છતાં શાક માર્કેટમાં મહિલા માટે શૌચાલય નથી
શહેરની મુખ્ય શાક માર્કેટમાં મહિલા શૌચાલય જ નથી સામાજિક કાર્યકરોએ વધુ એક વખત રજૂઆત કરી
સૌરાષ્ટ્રમાં મોરબી શહેરને પેરિસ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ માત્ર નામનું પેરિસ રહ્યું છે. અવાર નવાર સામાજિક કાર્યકર્તા દ્વારા પાલિકા અને તંત્રને રજૂઆત કરવામાં આવતી હોય છે તેમ છતાં કેમ પરિણામ મળતું નથી તે મોરબીની પ્રજાને સમજાતું નથી.
મોરબી શહેરની મુખ્ય શાકમાર્કેટમાં મહિલા શૌચાલય જ નથી અને હાલ પાલિકાના પ્રમુખ તરીકે મહિલા બિરાજમાન હોય ત્યારે મહિલા પ્રમુખ મહિલાઓની વ્યથા સમજશે તેવો અણીદાર પ્રશ્ન કરીને સામાજિક કાર્યકરો દ્વારા વધુ એક વખત રજૂઆત કરાઈ છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા, અશોક ખરચરીયાએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે નહેરુ ગેઇટ ચોક આગળ જીઇબી ઓફીસ પાસે મહિલા શૌચાલયની ઘણા સમયથી માંગ કરાઈ છે પરંતુ તંત્રએ ધ્યાન આપ્યું નથી હાલ મહિલા પ્રમુખ ગાદી પર બિરાજમાન છે ત્યારે તેઓ મહિલા હોવાને નાતે મહિલાઓની વ્યથા સમજશે ? મોરબીની માર્કેટમાં મોરબી ઉપરાંત જીલ્લામાંથી લોકો ખરીદી અર્થે આવતા હોય છે
હજારો મહિલાઓ ખરીદી માટે આવતી હોય ત્યારે મહિલાઓ માટે શૌચાલય સુવિધા ના હોવાથી મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે પાલિકાના પ્રમુખ મહિલા હોવાને નાતે તેઓ મહિલાઓની વ્યથા સમજીને મહિલા શૌચાલય બનાવવા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે
રિપોર્ટ અશોક ખરચરિયા મોરબી