સુરતની પ્રજા હવે રસ્તા પર પડેલા ખાડા- ટેકરા થી ત્રાસી

સુરતની પ્રજા હવે રસ્તા પર પડેલા ખાડા ટેકરાથી ત્રસ્ત થઇ ગઈ છે. રસ્તા પર ગાડીઓ ચલાવીને લોકો કમર અને પોતાના વાહન બંનેને નુકશાન પહોંચાડી રહ્યા છે. શહેરના ભાગ્યે જ કોઈ માર્ગે એવા બાકી રહ્યા હશે જ્યાં ખાડા ટેકરા જોવા મળતા ન હોય. સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે.ત્યારે આ રસ્તાઓ બાબતે સુરત મહાનગરપાલિકાની ખુબ ટીકાઓ પણ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં કોર્પોરેશનની કામગીરી ટીકાઓ પણ ખુબ થઇ રહી છે. ફેસબુક અને ટવીટરના માધ્યમથી લોકો શાસકો અને પાલિકાના વહીવટને ટ્રોલ પણ કરી રહ્યા છે. ફેસબુક પર એક યુઝર લખે છે કે ઉબડ ખાબડ વાળા રસ્તા પર ગાડી મને ચલાવવા દે ગાલિબ, અથવા એ રસ્તો બતાવ જ્યાં ખાડા ટેકરા નથી. એમાં તે કહેવા માંગે છે કે શહેરના મોટા ભાગના રસ્તાઓની હાલત એકસરખી જ જોવા મળી રહી છે.સુરતના રિંગરોડ ટેક્સ્ટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા પણ તાજેતરમાં જ કોર્પોરેશનને પત્ર લખીને રસ્તા રીપેર કરવા રજુઆત કરવામાં આવી છે. વેપારીઓએ જણાવ્યું હતું કે સૌથી વધારે ટેક્ષ વેપારીઓ દ્વારા કોર્પોરેશનને આપવામાં આવે છે ત્યારે રસ્તાઓ રીપેર કરવાની કામગીરીમાં વિલંબ કેમ થઇ રહ્યો છે.
જોકે મેયર ડેસ્ક બોર્ડ પણ ખાડા બાબતે અસંખ્ય ફરિયાદો આવતા આખરે મેયરે તમામ ઝોનના અધિકારીઓને બોલાવીને રસ્તાઓના ખાડાનું રીપેરીંગ યુદ્ધના ધોરણે હાથ ધરવા જણાવ્યું હતું. આજે સોશિયલ મીડિયામાં વિવિધ નેતાઓ દ્વારા ખાડા રીપેરીંગ દરમ્યાન ઉભા રહીને ફોટો સેશન પણ કરવામાં આવ્યું હતું. અને તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા.જોકે આ બાબતે માર્ગ મકાન મંત્રીઅનેપશ્ચિમવિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા આગામી દિવસોમાં રસ્તા રીપેર કરવા આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જણાવ્યું છે કે એક ઓક્ટોબરથી દસ ઓક્ટોબર દરમ્યાન રાજ્યમાં તમામ બિસમાર રસ્તાઓને રીપેર કરવામાં આવશે. અને તેના માટે અભિયાન પણ ચલાવવામાં આવશે. દસ દિવસ દરમ્યાન તમામ રસ્તા રીપેર થઇ જશે તેવી ખાતરી તેમણે આપી છે.આમ, ટીકાઓની ભરમાર થતા આખરે કોર્પોરેશને મોડે મોડે જાગીને પણ કામગીરી શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે લોકોની ફરિયાદોનું સંપૂર્ણ નિરાકરણ ક્યારે આવે છે અને શહેરના માર્ગોનું રીપેરીંગ કામકાજ ક્યારે પૂર્ણ થાય છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત