જામનગર ના વેપારીઓની વેપાર ધંધા ના સમય ની અસમંજસ નો અંત

જામનગર ના વેપારીઓની વેપાર ધંધા ના સમય ની અસમંજસ નો અંત : રાત્રે 10 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે કલેકટરે સ્પષ્ટતા કરી
જામનગર ના વેપારી મહામંડળના આગેવાનો પાસે વેપારીઓ અસમંજસ રજૂ કરતા પ્રમુખ સુરેશ તન્ના અને હિમાંશુ કુંડલિયા એ કલેક્ટર સાથે વાતચીત કરી સમય-પાબંધી વિશે ચર્ચા કરી હાલના નિયમો અંગે સૂચનો મેળવી હાલાર ના વેપારીબંધુઓને વેપાર ધંધા ના સમય ની સ્પષ્ટતા કરી.
જામનગરમાં તમામ વેપાર-ધંધા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે. દુકાનો, લારી-ગલ્લા, બ્યુટી પાર્લર, હેર કટીંગ સલૂન સહિતના તમામ ધંધાઓને છુટ અપાઈ છે. આ અંગે જામનગર વેપારી મહામંડળે કલેકટર સાથે વાતચિત કરી સ્પષ્ટતા મેળવી લીધી છે.આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જેમાં રાત્રી કરફ્યુ અંગે રાહત અપાઈ હતી. જેમાં રાત્રી કરફ્યુ પહેલા 11 વાગ્યાથી હતું જેમાં એક કલાકની રાહત સાથે રાત્રીના 12 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો સમય કરાયો હતો. ઉપરાંત વેપારીઓને પણ રાત્રીના 10 વાગ્યા સુધી વેપાર ધંધો ચાલુ રાખવા છૂટ અપાઈ હતી. જોકે જામનગરના વેપારીઓ આ છૂટને લઈ અવઢવમાં હતા.
આ અંગે વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાએ લોકાર્પણ દૈનિક સમાચાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દુકાન-ધંધા રાત્રે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે? તે અંગે વેપારીઓમાં અસમંજસની સ્થિતિ હતી. આ મુદ્દો વેપારી મહામંડળના ધ્યાને આવ્યો ઉપરાંત વેપારીઓના આ અંગેના પ્રશ્નો પણ તેમના સુધી પહોંચ્યા હતા જેથી વેપારીમંડળના હોદ્દેદારોએ આ અંગે ચર્ચા કરી કલેકટર સાથે સ્પષ્ટતા કરી લેવા નક્કી કર્યું અને વેપારી મહામંડળના માનદ મંત્રી હિમાંશુ કુંડલીયાએ કલેકટર સાથે ટેલિફોનિક વાત ચિત કરી હતી.
હિમાંશુભાઈએ આજે વેપારીઓને કરેલા મેસેજમાં જણાવ્યું હતું કે, જામનગરમાં આગામી તા.10 ઓક્ટોબર સુધી તમામ પ્રકારની દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. રાજ્ય સરકાર દ્વારા અપાયેલી છુટછાટ અંગે કલેક્ટર ડો.સૌરભ પારધી સાથે ટેલીફોનિક વાતચિત મુજબ તેઓ દ્વારા પણ આ અંગે સ્પષ્ટ જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. તેથી વેપારી મહામંડળના નોંધાયેલા વેપારી સભ્યો રાત્રે 10 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે.કલેકટરે કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપીંગ કોપ્લેક્સો, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી બજાર, હાટ, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લરો તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે.