જામનગરમાં સસ્તા અનાજના દુકાનદારોની દાદાગીરી સામે લોકોએ પાઠવ્યું આવેદન

જામનગરમાં વોર્ડ નં.11 અને 12 માં વાજબી ભાવના દુકાનદાર રાશન આપવામાં ધાંધિયા કરી ગેરવર્તન કરતા હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં વાજબી ભાવના દુકાનદાર સામે કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં લેવા માંગણી કરી છે.
જામનગરના વોર્ડ નં.11 અને 12 ના રહેવાસીઓએ સોમવારે કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યાનુસાર આ વોર્ડમાં હાપા રોડ પર આવેલા વાજબી ભાવના દુકાનદાર સરકારી રાશન આપવામાં ધાંધિયા કરે છે. આટલું જ નહીં અપૂરતી ચીજ વસ્તુઓ આપે છે. વળી, ગ્રાહકો સાથે અભદ્ર અને ગેરવર્તન કરે છે. આથી વાજબી ભાવના દુકાનદાર સામે તાકીદે કડક પગલાં લેવા માંગણી કરી છે.
વોર્ડ નં.11 અને 12 ના રહેવાસીઓ દ્વારા વાજબી ભાવના દુકાનદાર અપૂરતું રાશન આપી ગેરવર્તન કરતા હોવાનું આવેદન આપવામાં આવ્યું છે. આ અંગે તપાસ કરી નિવેદન લઇ પગલાં લેવામાં આવશે. એન.એચ.મકવાણા, જિલ્લા પુરવઠા અધિકારી, જામનગર.