જામનગર : લાલપુરના નવી પીપરમાંથી જુગારધામ પકડી પાડતી એલસીબી

લાલપુરના નવી પીપર ગામમાં ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતા ત્યાં જુગાર રમાડતા અને જુગાર રમતા સાત શખ્સ ઝડપાઈ ગયા છે. પટમાંથી રોકડ, બે વાહન, સાત મોબાઈલ સહિત રૃપિયા સવા બે લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
લાલ૫ુર તાલુકાના નવી પીપર ગામની સીમમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબીના કાફલાએ પીઆઈ એસ. એસ. નિનામાના માર્ગદર્શન અને પીએસઆઈ આર. બી. ગોજીયાના વડપણ હેઠળ રાત્રે દરોડો પાડયો હતો.
ત્યાં ગંજીપાના વડે જુગાર રમતા બાબુભાઈ ધાનાભાઈ ગોજિયા, લાલ૫ુરના ભરતભાઈ મગનભાઈ રાબડીયા, આરીફ ગફારભાઈ શેખ, ખોડીદાસ બાબુલાલ ગોહિલ, નવનિતભાઈ વૃજલાલ મહેતા, નવી પીપર ગામના અરજણભાઈ કારાભાઈ ગોજીયા, જીવાભાઈ કારાભાઈ ગોજીયા નામના સાત શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા. ૧,૩૫,૯૦૦ રોકડા, સાત મોબાઈલ, બે વાહન મળી કુલ રૃપિયા ૨,૨૧,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાતેય શખ્સ સામે હે.કો. વનરાજ મકવાણાએ ખુદ ફરિયાદી બની લાલપુર પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ ૪ તથા ૫ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.