મોરબીના પંચાસર રોડ ઉપર છરીનો જીવલેણ ઘા ઝીકી યુવાનની નિર્મમ હત્યા

ગાળો આપવાની ના પાડતા ગજનીએ છરી હુલાવી : મોરબીમાં હત્યાનો સિલસિલો યથાવત
મોરબી : મોરબીમાં નજીવી બાબતે હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં ગત મોડીરાત્રે પંચાસર રોડ ઉપર રબારી યુવાનની ગાળો ભાંડતા ગજની નામના શખ્સેને ગાળો આપવાની ના પાડતા છાતી માં છરીનો જીવલેણ ઘા ઝીકી દેતા રબારી યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રીના બારેક વાગ્યાના અરસામાં મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપરામાં રહેતા નવઘણભાઈ હરેશભાઈ અજાણા નામના યુવાનને પંચાસર રોડ ઉપર આવેલ પેટ્રોલ પમ્પ પાસે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમભાઈ પિંજારા રે.પંચાસર રોડ વાળા સાથે કોઈ બાબતે બોલાચાલી થતા આરોપી મોહસીન ઉર્ફે ગજની ગાળો આપતો હોય નવઘણભાઈએ ગાળો બોલવાની ના પાડતા ગજની ઉશ્કેરાઈ ગયો હતો અને નવઘણભાઈને છાતીના ડાબા ભાગે ખૂંન્નસ પૂર્વક છરીનો ઘા ઝીકી દીધો હતો. બીજી તરફ મોડીરાત્રે બનેલી આ ઘટના બાદ યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગર નીવડી ન હતી. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હત્યાના આ બનાવ અંગે મૃતકના કાકા મનુભાઈ પાંચાભાઈ અજાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં મોહસીન ઉર્ફે ગજની વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધી ગજનીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે