સમસ્ત સતવારા સમાજ દ્વારા સમર્પણ હોસ્પિટલના ડો.પોપલીયા પર થયેલા હુમલા પ્રકરણમાં ડો.આર.ટી.જાડેજાની ધરપકડ કરવા માંગ

સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.પોપલીયા પર થયેલા હુમલા પ્રકરણમાં ઉંડી તપાસ કરી આરોપી ડો.આર.ટી.જાડેજાની ધરપકડ કરવાની માંગ સાથે સમસ્ત સતવારા સમાજ જામનગર દ્વારા જિલ્લા પોલીસ વડા મારફતે લેખિત રજૂઆત કરાઇ છે. સમસ્ત સતવારા સમાજના અગ્રણીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, સમર્પણ હોસ્પિટલમાં સર્જીકલ વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટમાં વીસ વર્ષથી સેવા આપતા સતવારા સમાજના આગેવાન ડો.વિઠ્ઠલભાઇ હરીભાઇ પોપલીયા શહેરના નિષ્ણાંત ડોકટર છે જયારે સમર્પણ હોસ્પિટલના આંખના વિભાગમાં ફરજ બજાવતા આર.ટી.જાડેજા વ્યવસાયમાં વધુ સફળ ન થતા ડો.પોપલીયા તરફ ધ્વેષભાવ રાખે છે.
ડો.પોપલીયા સમર્પણ હોસ્પિટલ છોડી દે તે માટે અનેક વખત હુમલા, ધમકી સહિત ત્રાસદાયક વર્તન કર્યુ છે ત્યારબાદ તા.20-10-2021ના રોજ રાત્રીના દસ વાગ્યાના અરસામાં ડો.પોપલીયા પોતાની હોસ્પિટલેથી ઘરે જવા નિકળ્યા હતા આ દરમ્યાન પોતાની કાર પાસે પહોંચતા અજાણ્યા માણસોએ ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ડો.પોપલીયાને ગંભીર ઇજા થઇ હતી.
પોલીસ ફરિયાદમાં ડો.પોપલીયાએ આ હુમલો ડો.જાડેજાએ કરાવ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ પોલીસે પુરાવાના અભાવે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો ન હતો. પુરાવા મળે ડો.જાડેજાની અટકાયતની ખાતરી આપી હતી. આ હુમલા પ્રકરણની પોલીસ તપાસમાં હુમલો ડો.જાડેજાના કૌટુબીંક ભાઇ દિલીપસિંહ અને ધર્મેન્દ્રસિંહએ કર્યો હોવાનું ખુલતા આ બન્ને શખ્સની ધરપકડ કરાઇ હતી. સતવારા સમાજના અગ્રણીઓના જણાવ્યા મુજબ આ હુમલામાં ડો.જાડેજા મુખ્ય સુત્રધાર છે આથી તેની વિરૂધ્ધ તપાસ કરી તાકિદે ધરપકડ કરાય તે જરૂરી છે.