નેવી ભરતીમાં છ ઉમેદવારના બોગસ પ્રમાણપત્ર રજૂ થયાનું કૌભાંડ ના પાના થયા ખુલ્લા

જામનગરના આઈએનએસ વાલસુરામાં હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છેે જેમાં ગઈકાલે રજૂ થયેલા કેટલાક સર્ટિફિકેટ પર રીક્રૂટમેન્ટ ઓફીસરને શંકા ઉત્પન્ન થતા તેઓએ કરેલી સઘન ચકાસણી પછી ત્રણ પુખ્ત વયના અને ત્રણ કાયદાથી સંઘર્ષિત કિશોરના આધારકાર્ડ, ડોમીસાઈલ સર્ટીફિકેટ શંકાના દાયરામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તે તમામ બનાવટી હોવાનું અને રાજસ્થાનના બે શખ્સ કે જેઓ પોતાની ખાનગી એકેડમી ચલાવે છે તેઓના દોરીસંચાર હેઠળ ઉપરોક્ત કૌભાંડને આકાર આપવામાં આવ્યો હોવાની આશંકા ઉભી થઈ છે. તમામ આઠ સામે નેવીના ઓફીસરે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો છે.
જામનગરના બેડેશ્વર નજીક આવેલા આઈએનએસ વાલસુરા-નેવી તાલીમ સેન્ટરમાં હાલમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે યોજાયેલી કાર્યવાહી દરમ્યાન ભરતી માટે હાજર થયેલા ઉમેદવારોના સર્ટીફિકેટ વગેરે ચકાસવામાં આવી રહ્યા હતા.
તે દરમિયાન જુદા જુદા રાજ્યોમાંથી ભરતી માટે આવેલા ઉમેદવારના આધારકાર્ડ અને ડોમીસાઈલ સર્ટીફિકેટમાંથી કેટલાક કાગળો શંકાના વર્તૂળમાં આવ્યા હતા. આથી મૂળ ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લાના હિમતપુરના વતની અને હાલમાં વાલસુરા આઈએનએસ બેઝકેમ્પ ક્વાટર્સમાં વસવાટ કરતા નેવીમાં ફરજ બજાવતા મનોજ લક્ષ્મણસીંઘ બીસ્ટ દ્વારા તે કાગળોની ઉંડાણ પૂર્વકની ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી દરમ્યાન રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લાના કોટપુતલી ગામના રાજેન્દ્રસીંગ યાદવ, વિમલ ઉર્ફે મોનુ નામના બે શખ્સ દ્વારા ખાનગી ડીફેન્સ એકેડમી ચલાવતા શખ્સોની સંડોવણી બહાર આવી છે. આ શખ્સો દ્વારા રાજસ્થાન રાજ્યના સીકર જિલ્લાના મુદવાડા ગામના સંતોષકુમાર સરદારારામ સેપટ, કમલેશ જગદીશ સારણ તથા ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના દુનેટીયા ગામના કીર્તિ દલવીર પાલ નામના ઉમેદવારોના બનાવટી આધારકાર્ડ, ડોમીસાઈલ સર્ટી. બનાવી તથા કેટલાક સિક્કા બનાવી ભરતી પ્રક્રિયામાં મોકલ્યાનું ખુલ્યુ હતું. જ્યારે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના બે તેમજ મહુવનકાપુરા ગામના એક મળી ત્રણ કાયદાથી સંઘર્ષિત કિશોરના પણ બનાવટી આધારકાર્ડ અને ડોમીસાઈલ સર્ટી. આપી તેઓને વાલસુરા સ્થિત નેવીની ભરતીમાં મોકલ્યાનું પ્રકાશમાં આવ્યું છે.
આ બાબતની નેવીના લેફ. ઓફીસર મનોજ બિસ્ટે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંેંધાવી છે. જાણવા મળ્યા મુજબ નેવી દ્વારા દર વર્ષે યોજાતી ભરતી પ્રક્રિયા અંતર્ગત આ વર્ષે દિલ્હીની આઈએચકયુ એમઓડી નામની સંસ્થા દ્વારા ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેના આધારે દેશના જુદા જુદા નેવી તાલીમ સેન્ટરમાં આર્ટી ફાઈસર એપ્રેન્ટીસ અને મેટ્રીક રિક્રૂટમેન્ટ પ્રક્રિયા શરૃ થઈ હતી. જેમાં આવેલી ઉમેદવારોની અરજીની સઘન ચકાસણી કરાતા સંતોષ કુમાર, કમલેશ, કીર્તિના તેમજ અન્ય ત્રણ કાયદાથી સંઘર્ષિત કિશોરના સર્ટી. રજૂ થયા હોય અને તેની ચકાસણી કરાતા ઉપરોકત ડોમીસાઈલ પ્રમાણપત્ર ગાંધીનગરથી કઢાવવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ હતું. આ ઉમેદવારો ગુજરાતી ભાષા જાણતા ન હોય રિક્રૂટમેન્ટ ઓફીસરને તેમના સર્ટીફિકેટ વિશે શંકા ઉત્પન્ન થઈ હતી અને તેની તપાસ કરાતા કૌભાંડ સામે આવ્યું છે.
ત્રણ પુખ્તવયના ઉમેદવારોની તેમજ ત્રણ કાયદાથી સંઘર્ષિત કિશોરના પ્રમાણપત્ર બનાવટી હોવાની કરાયેલી પ્રાથમિક તપાસમાં રાજેન્દ્રસિંગ યાદવ અને તેના ભાઈ વિમલ ઉર્ફે મોનુએ પોતાની ખાનગી એકેડમીમાંથી તે પ્રમાણપત્ર કાઢયા હોવાનંુ જાણવા મળી રહ્યું છે. પોલીસે આઈપીસી ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧, ૪૮૪, ૧૧૪ હેઠળ રાજેન્દ્રસિંઘ, વિમલ, સંતોષકુમાર સેપટ, કમલેશ, કીર્તિ પાલ અને કાયદાથી સંઘર્ષિત ત્રણ કિશોર સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.