જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે ૧૧૮૨ લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી ૧૯મી ડિસેમ્બરે યોજાવા જઇ રહી છે, ત્યારે સમગ્ર જીલ્લામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને જાહેર નામની ચુસ્તપણે અમલવારી થાય તેના ભાગરુપે પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે, અને સમગ્ર જિલ્લામાંથી ૧૧૮૨ લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, ઉપરાંત ૪૧૯ હથિયારો જુદા જુદા પોલીસ મથકોમાં જમા થયા છે.
જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની ૨૬૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા જાહેર નામાની અમલવારી ની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને સમગ્ર જિલ્લામાં શાંતિમય રીતે ચૂંટણી યોજાય તેમજ મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે અટકાયતી પગલાં લેવાનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં પંચકોશી એ ડિવિઝન માં ૯૭ લોકો સામે અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે ૪૦ હથિયારો જમા કરાવાયા છે. જોડીયા પોલીસ સ્ટેશન દ્વારા ૮૨ ની અટકાયત કરાઈ છે, અને ૨૧ હથિયારો જમા કરાયા છે. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા ૨૨ ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ૧૬ હથિયારો જમા લીધા છે.
જામજોધપુર પોલીસ સ્ટેશન દ્વારા ૧૮૯ લોકોની સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે, ઉપરાંત ૪૨ હથિયારો જમા કરાવાયા છે. મેઘપર પોલીસ સ્ટેશન દ્વારા ૧૧૩ ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ૩૨ હથિયાર જમા લીધા છે.
આ ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશન દ્વારા ૩૪ ની સામે અટકાયતી પગલાં ભરાયા છે, અને ૧૫ હથિયારો જમા કરાવાયા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ૧૨૦ ની અટકાયત કરી લેવાઇ છે, જ્યારે ૮૩ હથિયારો જમા થયા છે. શેઠ વડાળા પોલીસ
સ્ટેશનમાં ૬૭ ની અટકાયત અને ૩૭ હથિયારો જમા કરાયા છે. લાલપુર પોલીસ સ્ટેશન દ્વારા ૨૨૭ ની અટકાયત કરાઈ છે, જ્યારે ૬૪ હથિયારો જમા લેવાયા છે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૧૮૨ લોકોની સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ઉપરાંત ૪૧૯ હથિયારો જમા કરી લેવાયા છે.