જામનગર : કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનને પિતાએ ઠપકો આપતાં પુત્રએ ગળાફાંસો ખાઇ મોત ને ભેટ્યો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા એક શ્રમિક યુવાને પ્રેમ લગ્ન કર્યા પછી કોઈ કામ કરતો ન હોવાના કારણે પિતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને છુટક મજૂરીકામ કરતા રાહુલ નાનજીભાઈ પરમાર નામના 26 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ અંગે મૃતકના પિતા નાનજીભાઈ મનજીભાઈ પરમાર એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ નિ ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને રાહુલના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર રાહુલ કે જેણે થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, અને પોતે કોઈ કામ ધંધો કરતો ન હતો. તેથી તેના પિતાએ આ બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવ્યું હતું, અને ગળા ફાંસો ખાઈ લઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.