જામનગરના ઈલેક્ટ્રીક ના વેપારી નો રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ઈલેક્ટ્રીક નો વેપાર કરતા એક યુવાને આજે સવારે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. કોરોના કાળ દરમ્યાન પોતાનો વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે આર્થિક સંકળામણ ને લઈને આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિક ની દુકાન ચલાવતાં સંજય મહેશભાઈ રાજપાલ ગામના 26 વર્ષના વેપારી યુવાને આજે સવારે દસેક વાગ્યાના અરસામાં રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
મૃતક યુવાનનું સ્કૂટર ડેમ ના પાળા પાસે પડયું હોવાથી માલુમ પડ્યું હતું. જેથી આસપાસના વિસ્તારના તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢી લીધો હતો, અને પોલીસને જાણ કરતા પંચકોશી બી ડિવિઝન નો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવાન ના કાકા મનોહરલાલ રાજપાલ કે જેઓને ઘટનાસ્થળે બોલાવી લીધા પછી પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું હતું. તેમાં પોતાના ભત્રીજા સંજય કે જેને ઇલેક્ટ્રીકના ધંધામાં આર્થિક ભીંસ આવી ગઈ હોવાથી, અને કોરોના કાળ દરમિયાન વેપાર ધંધો બરાબર ચાલતો ન હોવાથી આ પગલું ભરી લીધાનું જાહેર કરાયું હતું. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.