કડીના ગલોદરા ગામમાં 108 એમ્બ્યુલન્સ સેવાએ 30 મિનીટમાં 28 કિલોમીટર કાપી પ્રસૂતાના ઘરે જઈ ડિલિવરી કરાવી

- ગલોદરા ગામની મહિલાને અસહ્ય દુખાવો થતા 108ને જાણ કરાઈ હતી
- પ્રસૂતાની હાલત ખરાબ થતા ઘર પાસે જ 108ની ટીમે મહિલાની સફળ ડિલિવરી કરાવી
રાજ્યની 108 એમ્બ્યુલન્સ સેવા ખરેખર લોકો માટે આશીર્વાદ સમાન બની છે. ત્યારે એકવાર ફરીથી મહિલા અને તેમના બાળકો માટે 108 દેવદૂત સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં કડી તાલુકાના ગલોદરા ગામમાં પ્રસૂતાની હાલત ખરાબ થતા ગ્રામ્ય વિસ્તારમાં જઇ ઘર પાસે જ 108ની ટીમે મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી અને હાલમાં માં-બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે.
સૂત્રો અનુસાર કડી તાલુકામાં 108ની ટીમને આજે રવિવારે સવારે 07:45 કલાકે ગલોદરા ગામે રહેતા શિલ્પાબેન હીરાણીને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેમને તાત્કાલિક પ્રસુતિ માટે લઇ જવાની ફરજ પડી હતી. જ્યાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા કડીની 108 તાબડતોબ 30 મિનીટમાં 28 કિલોમીટર કાપી વહેલી સવારે ગલોદરા ગામ પહોંચી હતી. જ્યાં મહિલાને અસહ્ય પીડા ઉપડતા ઘરે જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.
જો કે EMT હિતેન્દ્ર અને પાયલોટ પંકજભાઈએ વહેલી તકે પોતાની એમ્બ્યુલન્સ પહોંચતી કરી સફળ ડિલિવરી કરાવી હતી. બાદમાં માતા અને બાળકને કડીની CHC હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઇ મહિલા અને તેમના પરિવાર દ્વારા 108ની ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો.