અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ

અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈઃ માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો
માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં માનવમહેરામણ માં ના ચરણોમાં દર્શનાર્થે ઉમટ્યો છે. એકલ દોકલ આવતા પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે….. બોલમાડી…… અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે.
શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજી માં મિનિકુંભનો માહોલ સર્જાયો છે ત્યારે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે વર્ષ બાદ યોજાઈ રહેલા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે તો માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં માં ના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે, માના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરાયો છે.
અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિદ્વાર થી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા માં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુ ભાવિક ભક્તો કરી રહ્યા છે.
રોશનીનો આવો ઝગમગાટ ક્યાંય જોયો નથી, પૂનમનો પમરાટ, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ રહી છે અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા ને રોમાંચકતાનો અનુભવ કરી મંદિર પરિસરમાં કરવામાં આવેલી ઝગમગતી વ્યવસ્થા બદલ વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
રીપોર્ટ: દિલીપસિંહ બી. પરમાર
સાબરકાંઠા બ્યુરો ચીફ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756