વડોદરા લઈ જવાતો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

- રૂ. 3.16 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમને ઝબ્બે કરી એકને વોન્ટેડ જાહેર કર્યો
સુરતથી વડોદરા ઈંગ્લીશ દારૂ લઇ જતા ખેપિયાને એલસીબી પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડી ગાડીમાંથી રૂ.1 લાખના ઈંગ્લીશ દારૂ સાથે અમદાવાદના 2 ઈસમોમાં એક વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કુલ રૂ. 3.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા. ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, સુરતથી વડોદરા તરફ ગાડીમાં ઈંગ્લીશ દારૂ લઇ જવામાં આવી રહ્યોં છે. જેના આધારે અંકલેશ્વર માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. જ્યાં માહિતી વાળી સફેદ રંગની ગાડી આવતા જ પોલીસે કોર્ડન કરી તેને રોકી અંદર તલાસી લેતા અંદરથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડનો વિપુલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં સવાર અમદાવાદ ઈન્દીરાનગરના રહેવાસી રાજુ કાંતિ ઠાકોર અને રોનક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. તેમજ કારમાંથી અલગ અલગ બ્રાન્ડના ઈંગ્લીશ દારૂની 216 બોટલ મળી રૂ.1,08,600નો દારૂ તેમજ 2 મોબાઈલ 5000 રૂપિયા અને ગાડી કિંમત રૂ. 2,00,000 મળી કુલ રૂ. 3,16,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેમજ બંનેની ઉલટ તપાસ કરતા વિક્રમ કડવો નામના બુટલેગરનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે અંકલેશ્વર શહેર બી.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.