જય અંબે પરિવાર ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા ‘અન્નકૂટ મહોત્સવ’ સંપન્ન

પોષી પૂનમ ‘મા’ જગત જનની ભગવતી જગદમ્બાનો પ્રગટ્ય દિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ જય અંબે પરિવાર ટ્રસ્ટ–ગાંધીનગર દ્વારા સેક્ટર–૧૩/બી, ગાંધીનગર ખાતે શક્તિચોકમાં માતાજીના પૂજન અર્ચન સહિત અન્નકૂટ અર્પણ કરી, ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ સને ૨૦૨૩નું વર્ષ જય અંબે પરિવાર માટે પાંત્રીસમા વર્ષનો પ્રારંભ હોવાથી આ વર્ષને ‘સપ્તમ પંચવર્ષિય ઉત્સવ વર્ષ -૨૦૨૩’ ઉજવવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત નવચંડી યજ્ઞથી પ્રારંભ કરી આરાસુર અંબાજી મંદિરમાં છપ્પનભોગ અન્નકૂટ, અખંડધૂન, વિવિધ ધાર્મિક સ્થાનોની પદયાત્રા, સંતશ્રીના વ્યાખ્યાન, અધિક શ્રાવણ માસમાં હરિદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવ, અંબાજીની ભવ્ય પદયાત્રા, નવરાત્રીમાં માતાજીની વિશેષ આરાધના, ધાર્મિક પ્રવાસ, સ્નેહમિલન જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહેલ છે.
આજરોજ પોષી પૂનમે ‘મા’ને હ્રદયના શુદ્ધ ભાવથી અન્નકૂટ ધરાવવા પરિવારની મહિલાપાંખે, અત્યંત પવિત્રતાપૂર્વક, સુચારું વસ્ત્રો પરિધાન કરીને સતત ત્રણ ત્રણ દિવસ દરમિયાન સ્વાદિષ્ટ મીઠાઈઓ, ફરસાણ, જ્યૂસ, શાકભાજી, અથાણા, સહિત ૧૫૧ નાવિન્ય વાનગીઓ અને વ્યંજનો તૈયાર કરી, આ પ્રસાદ-ભોગ સવારે ૯.૦૦ કલાકે ભક્તિભાવે રથેશ્વરી માતાજીને ધરાવી થાળગાન સહિત સમૂહમાં મહાઆરતી ઊતરી ‘મા’ના ગુણગાન ગાવામાં આવ્યા હતા. બપોર પછી ‘મા જગદંબા ભક્તિવંદના સમૂહ સ્વાધ્યાય’ તેમજ ‘આંનદના ગરબા’નું ગાનવાદન કરી ‘મા’ને કાલાવાલા સહ સ્તુતિ કરી હતી.
જય અંબે પરિવાર દ્વારા દર પૂનમે સેક્ટર ૧૩/બી ખાતે રાત્રે ૮/૩૦ કલાકે માતાજીની પૂજા અર્ચના, શ્રી દુર્ગા ચાલીસા, શ્રી અંબા બાવની, શ્રી દેવી સ્તુતિ, શ્રી દેવી સૂક્તમ, અંબાશતક અંબાષ્ટક, થાળગાન, આરતી જેવા ભક્તિવંદના સભર દોઢ કલાક માટે માના કાલાવાલા કરવામાં આવે છે. માતાજીના નવાર્ણ મંત્ર લેખનની પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે. જે માટે મંત્ર લેખન પોથી અને લાલ પેનનું વિતરણ ગાંધીનગરના જુદા જુદા કેન્દ્રો પરથી કરવામાં આવે છે. જેનો લાભ લેવા સર્વે ભાવિક ભક્તોને જાહેર આમંત્રણ છે.