મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેમનગરમાં બહુમાળી આવાસનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેમનગરમાં બહુમાળી આવાસનું લોકાર્પણ
Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની મેમનગર સરકારી વસાહતમાં નવનિર્મિત સરકારી આવાસોનું લોકાર્પણ કર્યુ હતું. રૂપિયા ૧૩.૧૦ કરોડના ખર્ચે અત્યાધુનિક શૈલીથી નિર્માણ પામેલા કુલ ‘૫૨’ આવાસો ધરાવતા ૧૩ માળના બિલ્ડીંગને મુખ્યમંત્રીશ્રીએ ખુલ્લું મૂક્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્મિત આ હાઇરાઇઝ બિલ્ડીંગની મુલાકાત લઇને મુખ્યમંત્રીશ્રીએ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ આવાસોએ સરકારી આવાસોની પરિભાષા બદલી નાખી છે. માર્ગ અને મકાન સચિવ શ્રી સંદીપ વસાવાએ આ આવાસોની સુવિધાથી મુખ્યમંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

આ આવાસોની વિશેષતા જોઈએ તો, ૧૩ માળની ઇમારતમાં પ્રત્યેક માળ પર ૪ આવાસ બનાવાયા છે. ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, કિચન, બાલ્કની, અટેચ ટોયલેટ, વોશિંગ સ્પેસની સાથે પાર્કિંગની પણ સુચારુ રૂપે વ્યવસ્થા કરાઈ છે. સાથોસાથ બિલ્ડિંગમાં બે લિફ્ટ અને અગ્નિશમનની પણ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. મકાનમાં વિટ્રિફાઇડ ટાઇલ્સ, એફ.આર.પી. ડોર, એલ્યુમિનિયમ વિન્ડો, બ્રિક મેસેનરી મુકાઈ છે. આવાસમાં મોડ્યુલર કિચન, ફર્નિચર તેમજ પાર્કિંગમાં પેવર ટાઇલ્સનું ફ્લોરિંગ કરવામાં આવેલું છે. રાજ્ય સરકારના કર્મયોગીઓને આવાસની શ્રેષ્ઠ વ્યવસ્થા મળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

ગાંધીનગર તથા અમદાવાદમાં રૂપિયા ૨૫૧.૧૫ કરોડની અંદાજિત રકમના B તથા C કક્ષાના નવા ૮૯૨ રહેણાંક આવાસોનું બાંધકામ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત ગાંધીનગર તથા અમદાવાદ ખાતે રૂપિયા ૩૫૦ કરોડની અંદાજિત રકમના વિવિધ કક્ષાના નવા ૧૪૨૪ રહેણાંક આવાસોનું બાંધકામ પ્રગતિમાં છે. વિવિધ કક્ષાના નવા ૧૭૮૮ રહેણાંક આવાસોનું બાંધકામ આવનારા દિવસોમાં શરૂ થશે. મેમનગર સરકારી વસાહતોના લોકાર્પણ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા, એલિસબ્રિજ વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર અને સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, વસાહતીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!