રાજકોટ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 32 બાળ લગ્ન અટકાવાયા

રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કાર્યરત છે. જે
રાજ્ય સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત સમાજ સુરક્ષા પ્રભાગના નિયામકના નિયંત્રણ હેઠળ વિવિધ બાળ કલ્યાણકારી, વૃધ્ધ કલ્યાણકારી અને દિવ્યાંગ કલ્યાણકારી કાયદા અને યોજનાની અમલવારી કરાવે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની વિવિધ જોગવાઈઓ અન્વયે અક્ષય તૃતીયા જેવા ખાસ પ્રસંગે જિલ્લા કક્ષાએ યોજાતા બાળ લગ્નો અટકાવવા માટે રાજકોટ જિલ્લા કક્ષાની કચેરી કાર્યરત છે.
રાજકોટ જિલ્લા કક્ષાની કચેરી દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ૩૨ બાળ લગ્નો અટકાવાયા છે. જિલ્લા કક્ષાની કચેરી ખાતે ૨૦૨૦-૨૧ માં ૭ ફરિયાદ, ૨૧-૨૨ માં ૧૪ ફરિયાદ અને ૨૨-૨૩માં ૧૧ સાચી ફરિયાદો મળેલ હતી. જેમાં તાત્કાલિક સ્થળ પર જઈ બંને પક્ષકારોને કાયદાની જોગવાઈઓની સમજ આપી જરૂરી બાહેંધરી મેળવી લગ્ન અટકાવવામાં આવ્યા હતા. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમની જોગવાઇ મુજબ લગ્ન માટેની ઉંમર પુરૂષ માટે ૨૧ વર્ષ અને સ્ત્રી માટે ૧૮ વર્ષ નિર્ધારીત કરેલ છે.
નિર્ધારીત ઉંમર પહેલા કરવામાં આવતા લગ્ન બાળ લગ્નની વ્યાખ્યામા આવે છે. જે બદલ ૧,૦૦,૦૦૦/- લાખ રૂપિયા નો દંડ અથવા ૨ વર્ષની સજા અથવા બન્નેની જોગવાઇ છે. કોઇ પણ નાગરિક પાસે બાળલગ્ન થતા હોવાની સાચી માહિતી નજીકના પોલીસ સ્ટેશન, ૧૮૧ અભયમ,પોલીસ કન્ટ્રોલ રૂમ ૧૦૦ નંબર અને સંબંધિત જિલ્લાની બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી ખાતે લેખીત અથવા મૌખીક સ્વરૂપમા ફરીયાદ કરી શકાય છે.
ગિરીશ ભરડવા (રાજકોટ)