ગુજરાત બોર્ડ સાયન્સ ટોપર IT ફિલ્ડ છોડી ગમતા વિષય સાથે બન્યા રેવન્યુ અધિકારી

- સામાન્ય પરિવારમાં જન્મ પરંતુ કર્મ થકી હિંમત હાર્યા વગર ચોથા પ્રયત્ને સિવિલ સર્વિસ ક્રેક કરતા જયદીપ લકુમ
ફાફડા, ઢોકળા અને જલેબી ખાતા ગુજરાતીઓ માત્ર વેપાર ધંધા કરી શકે, તેઓ સનદી અધિકારી ન બની શકે. આ મહેણું ભાંગવાનું સાહસ છેલ્લા કેટલાક વર્ષમાં અનેક ગુજરાતી યુવાનોએ કર્યું છે. પ્રબળ ઇચ્છા શક્તિ અને યોગ્ય માર્ગદર્શનને કારણે ગુજરાતી યુવાનો યુ.પી.એસ.સી. પરીક્ષા ક્રેક કરી સફળતા પૂર્વક ઉચ્ચ હોદાઓ પર આજે સેવા આપી રહ્યા છે.
એવા જ એક પ્રેરણારૂપ રાજકોટ ઇન્કમ ટેક્સ ઓફિસ ખાતે આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજનિષ્ઠ સનદી અધિકારી જયદીપ લકુમે યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપવાં માંગતા વિદ્યાર્થીઓ માટે તેમની સફળતાનું રહસ્ય સમજાવ્યું છે. લકુમ જણાવે છે કે, આપણે સૌ પ્રથમ તો કેટલીક ગેર માન્યતાઓને દૂર કરવી જરૂરી છે. યુ.પી.એસ.એસી. ની તૈયારી માટે કોઈ મોટા ક્લાસીસ કરવા, અંગ્રેજી માધ્યમમાં જ ભણવું , રોજની અનેક કલાકો મહેનત કરવી જરૂરી નહિ હોવાનું તેમના ઉદાહરણ દ્વારા સમજાવે છે.
અધિકારી થવાનો પ્રથમ વિચાર સ્કૂલ સમયે જ આવેલો
મે એક થી સાત ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ધાંગધ્રાની આર્ય સમાજ શાળા ખાતે, ૮ થી ૧૦ ધો. સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રાની શેઠ એમ એમ. વિદ્યાલય ખાતે અને ધો.૧૧ અને ૧૨ સાયન્સનું શિક્ષણ સરદાર પટેલ સુરેન્દ્રનગર સ્કૂલ ખાતે ગુજરાતી શાળામાં લીધું. ધો.૧૦ મા બોર્ડમાં પાંચમો ક્રમ જ્યારે બારમામાં બોર્ડમાં દસમો રેન્ક અને જિલ્લામાં પ્રથમ આવેલો. નિરમા ઇન્સ્ટિટયૂટ માંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં બી. ટેક. કર્યું અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઇન્ફોસીસમાં સાડા ચાર વર્ષ પુના ખાતે નોકરી કરી. ૧૦ મા ધોરણમાં બોર્ડમાં પાંચમા સ્થાને ઉત્તીર્ણ થવા બદલ ત્યારના શિક્ષણ સચિવ હસમુખ અઢિયાએ સિવિલ સર્વિસમાં જોડાવા માટેની જાણકારી આપી જેનાથી મને પ્રેરણા મળી.
યુ.પી.એસ.સી. પરીક્ષાની તૈયારી નો ચિતાર
આઈ.ટી. ફિલ્ડમાં કામ કરતા કરતા આઈ.એ.એસ. અધિકારી બનવાનું સ્વપ્ન જીવંત હોઈ બાકીના સમયમાં ઓનલાઇન બુક્સ, મટીરીયલ પરથી જ તૈયારી કરી. મે કોઈપણ પ્રકારનું મોંઘુ કોચિંગ લીધું નથી. નોકરી ઉપરાંત રોજનું ચાર પાંચ કલાકનું નિયમિત વાંચન કર્યું. વૈકલ્પિક વિષય તરીકે મારા ગમતા વિષય ઇકોનોમિક્સની પસંદગી કરી હતી, જે સિવિલ સર્વિસ માટેના ટફેસ્ટ પાંચ વિષયો પૈકીનો એક છે. મેં હિંમત હાર્યા વગર આ પરીક્ષા ચોથી ટ્રાયે પાસ કરી. પ્રથમ ટ્રાય કોઈપણ તૈયારી વગર આપી, બીજી ટ્રાય વખતે શારીરિક ઇજા થઈ હોવાથી ઇચ્છિત પરિણામ ન મળ્યું, ત્રીજી ટ્રાય વખતે પણ બહુ જ ઓછા માર્ક્સ માટે ઇન્ટરવ્યૂમાં રહી ગયેલો. જ્યારે ચોથી ટ્રાયમાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં માત્ર એક માર્ક ઓછો પડ્યો. જેના વિકલ્પમાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પસંદગી પામતાં ઇન્ટરવ્યૂ આપવા માટે જિંદગીમાં પહેલી વખત દિલ્હી ગયેલો. ઇન્ટરવ્યૂમાં ૮૦% પ્રશ્નો ઇકોનોમીને લગતા હતા જ્યારે ૨૦% પ્રશ્નો તેમના પોતાના ફિલ્ડ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા પૂછાયા હતા.
કામ અને કામને લેવાની ટિપ્સ
રાજકોટ આઈકર સેવા કેન્દ્ર ખાતે તેઓ મેં-૨૦૨૨ થી ઉત્સાહ પૂર્વક તેમની જવાબદારી નિભાવે છે. કર્મચારીઓ સાથે પારિવારિક સંબંધમાં માનતા લકુમ તમામ કર્મચારીઓને જન્મ દિવસ વિશ કરે છે. ફેમિલીને ખબર અંતર પૂછે છે અને મિસ યુઝ ઓફ પાવર ટાળે છે ટ્રાન્સપેરન્સી અને એકાઉન્ટિબિલિટી પર ભાર મૂકે છે. સ્ટાફ સાથે કામ કરવાની પદ્ધતિ અંગે તેઓ જણાવે છે કે, દરેક વ્યક્તિમાં કોઈ ને કોઈ સ્કિલ હોય જ છે. તેઓની કામગીરીની ક્ષમતા મુજબ તેમની પાસે કામ લેવામાં આવે તો ઉત્તમ પરિણામ ચોક્કસ મળે છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કેવી રીતે કરો છો તેના જવાબમાં લકુમ જણાવે છે કે, આ માટે ટાઈમ મેનેજમેન્ટ ખુબ જ જરૂરી છે. ઓફિસને પૂરતો સમય આપ્યા બાદ પરિવારને સમય આપવો પણ એટલો જ જરૂરી છે, શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવા માટે વોકિંગ અને ઓછામાં ઓછી એક રમત રમવી જરૂરી છે.
સરકારી સેવામાં આવવા માંગતા યુવાઓ માટે સંદેશ
સરકારી સેવામાં આવવા માંગતા યુવાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, પહેલાના સમયમાં જાણકારીના અભાવે તેઓના હક્ક પ્રત્યે પ્રમાણમાં ઓછા લોકો સભાન હતાં. હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે. ડિજિટલ ટેક્નોલોજીના યુગમાં લોકો આંગળીના ટેરવે તેમને મળતા લાભ અંગે જાણકારી મેળવી શકે છે. ઘણી બધી સેવાઓ ઓનલાઇન થઈ ગઈ હોવાથી હવે પ્રજાને તેમના કામ સમયબદ્ધ રીતે પુરા કરી શકાય છે. સરકારી કામગીરી ટ્રાન્સપરન્સી સાથે નિભાવવા લકુમ સલાહ આપે છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, સ્પીપા સહીત વિવિધ સંસ્થાઓ દ્વારા તાલીમ અને માર્ગદર્શન સહીત અનેક સવલતો ઉપલબ્ધ હોઈ હાલ યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરવી ઘણી સરળ બની છે, ત્યારે વધુને વધુ ગુજરાતી વિદ્યાર્થીઓનું અધિકારી બનવાનું સ્વપ્ન મૂર્તિમંત થાય તેવું સબળ વાતાવરણ હાલ તૈયાર હોવાનું લકુમ પ્રેરણા પુરી પાડતાં જણાવે છે.
આલેખન – સોનલ અને રાજકુમાર