રાજકોટ શહેર જિલ્લામાં 3000થી વધુ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ

- પ્રવેશોત્સવના પરિમણામે અભ્યાસ માટે છાત્રોનો ઉત્સાહ વધ્યોઃ રાજકોટ જિલ્લામાં ગત વર્ષે ૧૦૦ ટકાથી વધુ નામાંકન થયા
રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૦ વર્ષોમાં શિક્ષણક્ષેત્રે ક્રાંતિ આવી છે. બે દાયકા અગાઉ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા માત્ર ૯૬ હતી, જ્યારે આજે જિલ્લામાં સરકારી, જિલ્લા પંચાયત હસ્તકની તેમજ સરકારી અનુદાનથી ચાલતી વગેરે મળીને ૮૯૫ જેટલી શાળાઓ છે. રાજકોટ જિલ્લામાં સરકારી ખાનગી શાળાઓની સંયુક્ત સ્થિતિ જોઈએ તો, જિલ્લામાં ધોરણ ૧ થી ૫ સુધીની ૨૧૪ શાળાઓ છે. જ્યારે ધો. ૧થી ૮ સુધીની પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૦૯૩ જેટલી છે.
જિલ્લામાં ધો. ૧ થી ૧૦ સુધીની ૨૦૮ માધ્યમિક શાળાઓ જ્યારે ધો. ૧ થી ૧૨ સુધીની ૩૦૭ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. આમ જિલ્લામાં કુલ મળીને ૧૮૨૧ સરકારી ખાનગી શાળાઓ છે. આ સાથે રાજકોટ મહાનગરની સ્થિતિ જોઈએ તો, ૯૧ શાળાઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક અને અન્ય ૫૩૦ જેટલી સેલ્ફ ફાયનાન્સ પ્રાથમિક શાળાઓ છે. ઉપરાંત શહેર જિલ્લામાં ૬૩૮ જેટલી સેલ્ફ ફાયનાન્સ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે.
આમ ૨૦ વર્ષમાં શાળાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેનું એક કારણ પ્રવેશોત્સવના કારણે શાળાઓમાં વધતી વિદ્યાર્થીઓની સંખ્યા પણ છે, તેવું જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું. જિલ્લાની શિક્ષણની સ્થિતિ અંગે કૈલાએ કહ્યું કે, રાજકોટ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ સાથે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા ખાસ્સી વધી છે. બે દાયકા અગાઉ રાજકોટ જિલ્લામાં ૧૭ જેટલી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ હતી. જેની સામે આજે જિલ્લામાં આ શાળાઓની સંખ્યા ૪૮ જેટલી છે.
ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પોતાના જ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ મેળવીને તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી બનાવી રહ્યા છે. મહત્ત્વનું છે કે, પ્રવેશોત્સવના કારણે શાળાપ્રવેશ માટે બાળકોની સાથે વાલીઓ તેમજ નાગરિકોનો પણ ઉત્સાહ વધ્યો છે. ગત વર્ષ ૨૦૨૨માં રાજકોટ જિલ્લામાં ધોરણ-૧ માટે ૭૬૪૮ કુમાર તેમજ ૭૦૯૩ કન્યા મળીને કુલ ૧૪,૭૪૧ પ્રવેશપાત્ર બાળકો નોંધાયા હતા. જેની સામે ૮૧૪૦ કુમાર, ૭૬૬૬ કન્યા મળીને ૧૫૮૦૬ બાળકોનું ધોરણ-૧માં નામાંકન થયું હતું. આમ ગયા વર્ષે ૧૦૦ ટકા કરતાં પણ વધુ નામાંકન થયું હતું.
ખાસ લેખ – સંદીપ કાનાણી, ડૉ. દિવ્યા ત્રિવેદી