જેનું ખેડેલું ખાધું તેનો ઉપકાર નો બદલો લાચારી કેમ ?

જેનું ખેડેલું ખાધું તેનો ઉપકાર નો બદલો લાચારી કેમ ?
Spread the love

જેનું ખેડેલું ખાધું તેનો ઉપકાર નો બદલો લાચારી કેમ ?

ભગરી ભેંસ નો એઠવાડ ખાય ને પણ પડ્યા રહેત બિચારા બળદ

આ રેઢિયાળ બળદ ને તેનો જુનો ખેડુત માલિક રસ્તામાં મળ્યો. પોતાના માલિક ને જોઈને બળદ ની આંખ માંથી આંસુ સરી પડ્યા… હિંમત કરીને ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો…. અને દબાતે અવાજે પુછ્યું…. કેમ છે ભેરૂબંધ……! ઘરે..બધા કેમ છે….? છોકરા શું કરે છે…?
આ વાત સાંભળી ને ખેડુત માલિક મુંજાણો… બધા મજામાં છે..આટલું તો માંડ માંડ બોલી શક્યો…

બળદે કહ્યું કે મિત્ર. મુંજાતો નહિ…ચાલ્યા રાખે.. જેવા મારા નસીબ… પણ જે દિવસે તું મને દૌરી ને અહીં અજાણી જગ્યા એ મૂકીને ને હાલતો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી મને એમ થયું કે મેં તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં ચોટયો હતો અને ત્યારે તું મારો માલીક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો પણ આજે તું મારો માલિક નથી… હવે મારો ખાલી મિત્ર જ છો એટલે મારે તારી સાથે બે વાતું કરવી છે.

ખેડુત બોલ્યો, “એવું નથી.. પણ દુકાળ છે એટલે…ચારા ની તંગી જેવું છે એટલે મિત્ર”

બળદે કહ્યું: “અરે મારા મિત્ર ચારા ની તંગી છે કે હું હવે તારા કામનો નથી રહ્યો..? તારે ઘરે ભગરી ભેંસો બાંધી છે એની ઓગઠ(એંઠવાડ)ખાઈ અને પાણી પિય ને હું દિવસો કાઢી નાંખત..”

મિત્ર તને યાદ છે… તારે નળીયા વાળા મકાન હતા, તારી પરિસ્થિતિ સારી નહોતી, ત્યારે તારી હાલત જોઈને મને એમ થાતું કે ખેતીમાં વધુ મહેનત કરૂ, જેથી કરીને મારા માલીક ને સારી ઉપજ અને વધુ વળતર મળે, તને પગભર કરવામાં માટે મેં મોટી મહેનત કરી, તારા ખેતરડા ખેડયા,પૃથ્વી પેટાળ પલટાવી નાખ્યા, મેં દિવસ રાત એક કરી દીધા હતા, પછી કાળીયા ઠાકર ની કૃપા થી અને આપણી મહેનત થી તારે મોટા મકાન બની ગયા, મોટરસાઇકલ અને કાર આવી ગયી બધું સારુ થયી ગયું, હું તારા પરિવાર ને સુખી જોય ને હરખાતો હતો પણ જે દિવસે તારે ઘરે મીની ટ્રેકટર આવ્યું….બસ મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે….

મિત્ર… સાચું કહું તો હું બહુ દુઃખી છું…પેટ ભરવા માટે ક્યાંક સિમ કે શેઢે મોં નાખું ત્યાં તો લોકો પરાણાં (લાકડી)લઈને દૌટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે, આ ઠોકરો ખાઈ ખાઈ ને હું થાકી ગયો છું, મને બહુ અઘરું લાગે છે, અરે…ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવા નો હતો, મારી કાયા ઘડપણે ઘેરાણી છે,અને હવે મારે જાજુ જીવવના અભરખા પણ નથી…

જેવા મારા ભાગ્ય..પણ મિત્ર હવે મારુ એક કામ કરજે.. તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલ્લો છે ને… એ ખીલ્લા ને તું ઉપાડી નાંખજે કારણ કે કો’ક દિવસ એ મારા વાળા ખીલ્લે તું ભેંસો ને બાંધી ને લીલા ચારાના ખોળ કપાસીયાના બત્રીસ ભાતના ભોજન જમાંડિશ ને તો મારા આત્મા ને શાંતિ નહિ મળે..

બીજું ખાસ એ કે તારા છોકરાઓ ને મારી સાથે મજાક મસ્તી કરવના,મને ટીંગાઈ ને વળગી ને રમવાના હેવા(આદત)હતા તો છોકરાવ ને કહેજે કે ભેંસ સાથે એ આવા અખતરા(કોશિષ)ના કરે કારણ કે મારી “માં અને ભેંસ ની માં”ના સંસ્કારોમાં બહુ જ ફેર છે.. ક્યાંક લગાડી ના દયે એનું ધ્યાન રાખજો

ઘરે જઈ ને બધા ને મારી યાદી આપજે કહેજે કે આપણો ઇ બળદ મળ્યો હતો,અને બહુ જ ખુશ હતો અને મજામાં હતો

મિત્ર…બીજું તો ઠીક પણ”રેઢિયાળ” નું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે, ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને તો ભેરૂબંધ મને..અફસોસ ના થાત…

બળદ ની આંખ માંથી આંસુ વહેવા લાગ્યા..

હું….આ ખેડુત અને બળદ ની વાતો સાંભળતો હતો.. તો મેં બળદ ને કહ્યું કે અહીં થી 5 કિમી દુર મારા ગામની ગૌશાળા છે ત્યાં ધીમે ધીમે પહોંચી જાવ તો ત્યાં ચારા-પાણી ની સગવડ મળી જશે..

બળદે મારી સામે ત્રાંસી આંખે જોયું અને કહ્યું.. ખોટી ચિંતા ના કરો..હવે મારો મલક ભર્યો છે..હું છું અને મારી ઝીંદગી છે. એમ કહી ને બળદ તેના ખેડુત માલીક સામે છેલ્લી નજર કરીને જુનાં સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે હાલી નીકળ્યો…

નોંધ-આજે રોડ ઉપર આ બળદો ને જોયા અને બસ લખવાનું મન થયું. જેનું ખેડેલું ખાધું એના ગુણ ને ભુલી જનારાઓના આત્મા ને પ્રભુ શાંતિ આપે

(ઘેલુ આહિર)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG_20230615_203207.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!