રાજકોટ શહેર જીલ્લાની “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ”ની સરાહનીય કામગીરી

રાજકોટ શહેર તા.૧૭/૬/૨૦૨૩ ના રોજ બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નાગરીકોએ સલામત સ્થળે જ રહી સલામતી મેળવી હતી. પરંતુ અબોલ જીવ કુદરતનાં રૌદ્ર સ્વરૂપ સામે ઝઝૂમી રહ્યા હતા. અબોલ જીવોની રક્ષા માટે સરકારની “કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨” ની રાજકોટની ટીમ સતત કાર્યરત રહી અબોલ જીવો પ્રત્યે સંવેદના દાખવી હતી. ભારે પવન વચ્ચે રાજકોટમાં ભયભીત થયેલ એક ગાય અચાનક રેલવે ટ્રેક પાસે જતી રહેતાં ટ્રેનની અડફેટે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને સમયસર સારવાર આપી એક અબોલનો જીવ બચાવવામાં આવ્યો હતો.
૧૯૬૨નાં ડિસ્ટ્રિક્ટ ઓફિસર જયદેવભાઈ ગઢવીના જણાવ્યાનુસાર, રાજકોટનાં એરપોર્ટ ફાટક પાસે ટ્રેનની અડફેટે અબોલ ગાય આવી જતા ઈજાગ્રસ્ત થઈ હતી. ગાયના પાછળના બંને પગ અને શિંગડાંના ભાગે વધુ ઈજા પહોંચી હતી. આસપાસમાં રહેતા જાગૃતિ નાગરિકને જાણ થતાં તુરત જ સત્વરે ૧૯૬૨ ઉપર કોલ કર્યો. અને માત્ર ૬ મિનિટમાં જ ૧૯૬૨ની ટીમનાં ડો.હિરેનભાઈ કોઠારી અને પાયલોટ મિલનભાઈ સરવૈયા ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત ગાયને જરૂરી સારવાર આપ્યા બાદ સુરક્ષિત અને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. વાવાઝોડાંની આફત સામે રાજકોટ જીલ્લામાં બે કરૂણા એમ્બ્યુલન્સ તથા ૧૯ મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી કોઈપણ આકસ્મિક સંજોગોમાં અનાથ અને અબોલ જીવોની રક્ષા માટે તૈનાત રહી સતર્કતાથી સજજતા સાથે કાર્યરત છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)