રાજકોટ જીલ્લા પંચાયત કચેરી ખાતે મૃતક શ્રમિકોના પરિજનોને ચેક અર્પણ કરાયા

રાજ્યના મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે બે મૃતક શ્રમિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા રૂ.૧૦ લાખના ચેક રાજકોટ જીલ્લા પંચાયત કચેરી ખાતે અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) ગામમાં બાલાજી વાયર પ્રાઇવેટ લીમીટેડ ખાતે ગોવિંદભાઇ નાનજીભાઇ પરમાર અને યોગેશભાઇ ચંદુભાઇ વાઘેલાનું સેપ્ટીક ટેંકની સફાઇ દરમિયાન ગેસ ગુંગણામણને કારણે મૃત્યુ થયું હતું.
મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય માટે જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરની ઉપસ્થિતિમાં મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે મૃતક ગોવિંદભાઇના વારસદાર કાજલબેન ગોવિંદભાઇ પરમારને તેમજ મૃતક યોગેશભાઇના પિતા ચંદુભાઇ ધનજીભાઇ વાઘેલાને રૂ.૧૦ લાખના ચેક આપવામાં આવ્યા હતા. આ તકે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહનભાઈ દાફડા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)