ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023

ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023
રાગી (ફિંગર મિલેટ), જુવાર (સોરઘમ મિલેટ), સામો (લિટલ મિલેટ), કોરા (ફોક્સટેઇલ મિલેટ) વગેરે છે મિલેટની વેરાયટી
આવો જાણીએ રાગી (ફિંગર મિલેટ) વિશે
આ વર્ષે ભારત સહિત સંપૂર્ણ વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. મિલેટ્સને લોકોના ભોજન સુધી પહોંચાડવા માટે હાલમાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અને મિલેટ્સનો જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 પ્રતિકૂળ અને બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં તૃણ ધાન્ય પાકોમાં રહેલા પોષકતત્વો અને સ્વાસ્થ્ય સંબધિત લાભો તેમજ તેનું વાવેતર વધે તે હેતુસર જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ છે. આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ પાકોના ટકાઉ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપી રહ્યો છે. સદીઓથી મિલેટ પાકો આપણા આહારનો અભિન્ન ભાગ છે. અસંખ્ય સ્વાસ્થ્ય વર્ધક લાભો ઉપરાંત મિલેટ ઓછાં પાણી અને ઓછા ઇનપુટની જરૂરિયાત સાથે પર્યાવરણ માટે પણ લાભકારક છે.
આવો જાણીએ મિલેટ્સ શું છે.
આમ તો સવારના નાસ્તાથી લઈને ભોજન સુધી વિવિધ ઘરોમાં મિલેટ્સ પોતાનું સ્થાન લઈ રહ્યું છે. મિલેટને સરળ ભાષામાં સમજીએ તો, મિલેટ એટલે વિવિધ એવા ધાન્યો જે એકસરખા કુળના નથી હોતા. મિલેટ એ અનાજ નથી પણ બીજ છે. પરંતુ આજે આપણે મિલેટને અનાજ તરીકે ઓળખીએ છીએ કારણ કે, મિલેટની કેટેગરી રસોઈ કરવાના પદાર્થ તરીકેમાં આવે છે. હાલમાં g-20 મીટ અંતર્ગત ભારત આવતા મહેમાનોને પણ ભારતીય પરંપરાગત મિલેટ્સની વાનગીઓ પીરસવામાં આવી રહી છે. આમ ભારતીય પરંપરાગત મિલેટ્સની વાનગીઓને દેશ-વિદેશમાં નામના મળી રહી છે. બજારમાં મિલેટની ઘણી વેરાયટીઝ જેવી કે રાગી (ફિંગર મિલેટ), જુવાર (સોરઘમ મિલેટ), સામો (લિટલ મિલેટ), કોરા (ફોક્સટેઇલ મિલેટ) વગેરે મળે છે. બાજરો પણ મિલેટમાં જ ગણવામાં આવે છે. આ તમામ મિલેટ્સની આજે અનેક વાનગીઓ બની રહી છે. વાત કરીએ રાગી એટલે કે, (ફિંગર મિલેટ) વિશે.
રાગી એટલે કે ફિંગર મિલેટ
એલ્યુસિન કોરાકાના, અથવા ફિંગર મિલેટ, જેને ભારતમાં રાગી, નેપાળમાં કોડો અને શ્રીલંકામાં કુરાક્કન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વાર્ષિક વનસ્પતિ છોડ છે. જે આફ્રિકા અને એશિયામાં શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં અનાજ પાક તરીકે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી, તેમજ સુરત જિલ્લામાં ખેતી કરીને રાગીનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આજે રાગીમાંથી વિવિધ વાનગીઓ બને છે. જે દરેક વ્યક્તિ માટે ખુબ જ સ્વાસ્થ્યપ્રદ છે. રાગી એ કુદરતી કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
રાગીના ન્યુટ્રીશનને કારણે એ ચોખા અને ઘઉંના સારા વિકલ્પ તરીકે વપરાય છે. એના સૌથી વધુ નોઁધપાત્ર ન્યુટ્રીશનલ લાભ એ છે કે એ કેલ્શિયમ અને અન્ય ખનિજોનો સારો સૉર્સ રાગીમાં ઉપલબ્ધ છે. આજકાલ શરીરને ફીટ રાખવા માટે લોકો જીમ જાય છે વજન ઉતારવા માટે જેમાં ડાયટ પ્લાન અનુસરીને લોકો વજન ઉતારે છે. ત્યારે રાગી વજન ઉતારવામાં ખુબ મદદરૂપ નિવડે છે. ઘઉ અને મેંદાની જગ્યાએ રાગીનો ઉપયોગ કરવાથી શરીરને કોઈ નુકશાન પણ થતુ નથી અને શરીર તંદુરસ્ત રહે છે. રાગીમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે તમારું પેટ ભરેલું રાખે છે અને તમને અનિચ્છનીય તૃષ્ણાઓથી રોકે છે. આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
વાત કરીએ રાગીની વાનગીની તો આજે મેંદા અને ઘઉની જગ્યાએ રાગીનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. રાગીની રોટલી, રોટલા, પીઝા, બિસ્કીટ, સ્મુધી, લાડુ, સલાડ, પાપડ, ઈડલી, શીરો, ઉપમા, થેપલા વગેરે અનેક વાનગીઓ બને છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300