રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ ખાતે સૂર્ય તરફ ભારતના પ્રયાણની ઐતિહાસિક ક્ષણ રોચક માહિતી મેળવી

આદિત્ય એલ-૧ ના લોન્ચિંગ નિમિત્તે રિજનલ સાયન્સ સેન્ટર – ભુજ દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2023 ના સવારે 11 થી 12.30 દરમ્યાન વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 શાળાના 230 થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો એમ કુલ 260 થી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
સૌ પ્રથમ સ્ટાર ગેઝિંગ ઇન્ડીયાની ટીમ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને લોકોને સૂર્યની ગતિવિધિ વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. તેના દ્વારા સૂર્ય વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં સૂર્યની સપાટી ઉપર ઉત્પન્ન થતા પ્લાઝ્માના કારણે ઉદભવતા ચુંબકીય ક્ષેત્ર, સૂર્યની સપાટીનું પરીક્ષણ કઈ રીતે કરી શકાય તે વિશે માહિતી આપવામાં આવી હતી
ત્યાર બાદ કેન્દ્રના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. રાજેન્દ્ર પટેલે આદિત્ય એલ 1 સેટેલાઈટ, 5 લગ્રાંજ પોઇન્ટ, તથા પી.એસ.એલ.વી. સી57 (જેના દ્વારા આદિત્ય એલ-1 લોન્ચ કરવામાં આવેલ) વિશે બાળકો સાથે સંવાદ કર્યો હતો. શ્રી હરિકોટાથી ૧૧:૫૦ કલાકે આદિત્ય એલ ૧ નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું તે લાઈવ નિહાળી હાજર બાળકો અને શિક્ષકોએ ભારત માતાની જયનો નાદ ગૂંજાવ્યો હતો.
પ્રોજેક્શન મેથડ દ્વારા સૂર્યનું અવલોકન કરવાનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સૂર્યના કલંકો વિશે માર્ગદર્શન ભુજના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી શ્રી નરેન્દ્ર ગોર અને નિશાંત ગોર દ્વારા આપવામાં આવ્યું હતું જે નિહાળી બાળકો રોમાંચિત થયા હતા. સાયન્સ સેન્ટરના ગેલરી ગાઈડ વૈભવી જરાદી અને પૂનમ કુશવાહા દ્વારા આદિત્ય L1 ના મોડેલ મારફત ઉંડાણ પૂર્વક સમજાવવામાં આવેલ.
આ પ્રસંગે નિવૃત્ત એરફોર્સ ઓફિસર કુલદીપસિંહ સંધા અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રવીણ મહેશ્વરી અને તુષારભાઈ હાથી હાજર રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન રિજનલ સાયન્સ સેન્ટર – ભુજના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સાયન્સ સેન્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.