મહારાષ્ટ્રના ડુંગર પર યોજાતી દેવી સપ્તશ્રુંગી મેરેથોનમાં ગાંધીનગરના રનર્સનો વિજયી દેખાવ

ગાંધીનગર રનર્સ ગ્રૂપના સભ્યો ભારતમાં યોજાતી વિવિધ મેરેથોનમાં ભાગ લેવા જતા હોય છે. મહારાષ્ટ્રમાં નાસિક નજીક આવેલા સપ્તશ્રુંગી માના મંદિર પાસે અતિ કઠિન મેરેથોનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગરના ચાર રનર્સ જગત કારાણી, હરિશ્ચંદ્ર, મીતેશ ગજ્જર અને જિજ્ઞેશ ભરવાડે આ મેરેથોનમાં ભાગ લીધો હતો. ડુંગર યોજાતી આ મેરેથોન દોડ અત્યંત મુશ્કેલ હોય છે અને રનિંગ કરતી વખતે શ્વાસ ચઢી જાય છે. ગાંધીનગરના સિનિયર મેરેથોન રનર જગતભાઈ કારાણીએ ઇડર પાસે આવેલા ભૈરવનાથ મહાદેવની ખાસ બાધા રાખીને આ મેરેથોનમાં ભાગ લીધો હતો.
તેઓ સતત છેલ્લા ત્રણ રવિવારથી મેરેથોન દોડી રહ્યા હતા. આ મેરેથોનમાં મજબૂત મનોબળ ખૂબ મહત્વ ધરાવે છે અને જગત કારાણીએ હિંમત કરીને આ મેરેથોન સફળતા પૂર્વક પૂરી કરી મા સપ્તશ્રુંગીના ચરણોમાં મેડલ અર્પણ કર્યો હતો. આ મેરેથોનમાં ભાગ લેનાર હરિશ્ચંદ્ર વિજેતા જાહેર થયા હતા અને એમને વિજેતા ટ્રોફી અને રોકડ ઈનામથી નવાજવામાં આવ્યા હતા. અન્ય એક રનર જિજ્ઞેશ ભરવાડ કે જેઓ ગાંધીનગર સેક્ટર – ૧૧ ખાતે ચાની કીટલી ચલાવે છે તેઓ પણ આ મેરેથોન સફળતા પૂર્વક પૂરી કરી ફિનીશરનો મૅડલ પ્રાપ્ત કરી પરત આવ્યા હતા. ગાંધીનગર રનર્સ ગૃપના સભ્યોએ આ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.