વઢવાણ શહેરના નદીના કાંઠે આવેલ 10મી સદીનું રાણકદેવી મંદિર જર્જરીત હાલતમાં

વઢવાણમાં ભોગાવો નદીના કાઠે 10મી સદીનું ઐતિહાસિક અને પૌરાણિક સતી રાણકદેવીનું 9 મીટર ઊંચું ભવ્ય મંદિર આવેલું છે. કળશબંધ મંદિરની બહારની દિવાલોમાં કીર્તિમુખ, ગવાક્ષ, લટકતા છત્ર છે. તામ્રપત્રના શિલ્પો તેની શોભામાં વધારો કરે છે. પરંતુ, કાળની થપાટોથી આ મંદિર જિર્ણશિર્ણ થયું છે. આથી રક્ષિત સ્મારકને આરક્ષિત કરવા પુરાતત્વ વિભાગ અને નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે તેવી લોકમાગણી છે. એતિહાસિક વઢવાણ નગરમાં અનેકો વર્ષોનો ઇતિહાસ ધરબાયેલો છે. ભોગાવો નદીના કાંઠે વસેલા વર્ધમાનપુરી અને હાલમાં વઢવાણ તરીકે જાણિતા શહેરમાં અનેક ઐતિહાસિક ધરોહરો છે.
ભોગાવો નદીના કાંઠે 10મી સદીનું ઐતિહાસિક સતી રાણકદેવીનું મંદિર છે. ઇતિહાસમાં કહેવાય છે કે જૂનાગઢથી સતી રાણકદેવી પોતાના પતિનું માથુ હાથમાં લઇને સતી થયા હતા. ભોગાવો નદીમાં સતી થતા સમયાંતરે રાણકદેવી તરીકે પૂજાવા લાગ્યા અને સતી રાણકદેવીનું મંદિર પ્રખ્યાત બન્યું. આ અંગે ઇતિહાસવિદ્ જેઠુભા અને લોકસાહિત્યકાર બનેસંગભાઇ ગઢવીએ જણાવ્યું કે સતી રાણકદેવીનું મંદિર 10મી સદીનું છે. આશરે 9 મીટર ઊંચું છે. આ મંદિરના શિખર પર કીર્તિમુખ, ગવાક્ષ, લટકતા છત્ર છે. આ રક્ષિત સ્મારક હાલ જિર્ણશિર્ણ થયું છે. આથી મંદિરની જાળવણી કરવાની ઇતિહાસ પ્રેમીઓની લાગણી અને માગણી છે.
રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ (સુરેન્દ્રનગર)