અંકલેશ્વરમાં કોલોનીને તોડતી વેળા ઉડતી ધૂળ આસપાસના રહેણાક વિસ્તારમાં ફેલાઇ

અંકલેશ્વર જીઆઇડીસીમાં સલામતીના પગલાં વગર વોકાર્ડ કોલોનીને તોડવાની કામગીરી દરમિયાન ઉડતી ધૂળના કારણે આસપાસના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. સરદાર પાર્ક ખાતે વોકાર્ડ કોલોની આવેલી છે જેને હાલમાં તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન સલામતીના પગલાં ભરવામાં નહિ આવતાં ધૂળ આસપાસના રહેણાંક વિસ્તારમાં ફેલાઇ રહી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.
રસોડા સુધી ધૂળ ઉડતી હોવાથી ગૃહિણીઓને રસોઇ કરવામાં મુશ્કેલી પડી રહી છે. સરદાર પાર્ક વિસ્તારમાં માર્ગો તથા દુકાનોમાં પણ ધૂળ જોવા મળી રહી છે. સ્થાનિકોની રજૂઆત બાદ નોટિફાઇડ એરિયા ઓથોરિટીએ હાલ પુરતી કામગીરી અટકાવી દીધી છે. સ્થાનિક નરેન્દ્ર ભટ્ટએ જણાવ્યું હતું કે ધૂળ ઘરમાં પહોંચી ગઈ છે. ધૂળને રોકવા માટે સલામતીના પગલાં ભરવામાં આવ્યાં નથી.અમારી કાર પણ અર્ધો ઈંચ માટી આવરણ છવાઈ જાય છે. રસોડામાં જમવાની પણ તકલીફો પડી રહી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી (અંકલેશ્વર)