સરકાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર – રૂપાણી

ગાંધીનગર,
ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના જાખમ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકાર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે. જૂનાગઢ ખાતે મીડિયાને સંબોધતા વિજય રૂપાણીએ જણાવ્યું કે, સરકાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. ૧૩મી જૂનના રોજ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તેવી સંભાવના વચ્ચે તમામ સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, “મારી સીધી દેખરેખ હેઠળ તમામ મંત્રીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. બુધવારે આ વિષય પર જ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ચર્ચા વિચારણા બાદ તમામ મંત્રીઓને અલગ અલગ જિલ્લામાં મોકલવામાં આવશે. જે કલેક્ટરો રજા પર હતા તેમને બપોર સુધી હાજર થવાના હુકમ કરી દેવાયા છે. તમામ સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી છે. નુકસાનીને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરી છે. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠાને હાઇએલર્ટ બનાવવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન ઉભું થયું છે તેમાંથી ૧૨ તારીખે વાવાઝોડું બનશે. જે આગામી ૧૩ અને ૧૪ જૂનના રોજ ગુજરાતમાં ત્રાટકવાની શક્્યતા છે.”
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “સોમવારે મેં વેરાવળના તમામ ખારવા સમાજના લોકોને વિનંતી કરી છે કે ચાર પાંચ દિવસ દરિયામાં ન જાય. જે લોકો દરમિયામાં ગયા છે તેમને પરત બોલાવી લેવામાં આવે. મંગલવાર સાંજ સુધી એનડીઆરએફની ૧૧ ટીમ પહોંચી જશે. જ્યારે વધારાની ૧૦ ટીમ બહારથી બોલાવવામાં આવી છે.”
સીએમના જણાવ્યા પ્રમાણે કાંઠાના વિસ્તારોમાં બુધવારથી સ્થળાંતર શરૂ કરવામાં આવશે. કોઈને નુકસાન ન પહોંચે તેવી સૂચના આપી દેવામાં આવી છે. ઓડિશામાં તાજેતરમાં વાવાઝોડું આવ્યું હતું તે અંગે અમે ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. અમે ઓડિશા સરકાર પાસેથી સૂચના અને વાવાઝોડામાં કેવું આયોજન કરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ મંગાવ્યો છે.”