વિસનગર સાહિત્ય ગ્રુપ અને શબ્દધારા ટીમ દ્વારા સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસ નિમિત્તે નારી તું ના હારી કાર્યક્રમ

વિસનગર સાહિત્ય ગ્રુપ અને શબ્દધારા ટીમ દ્વારા સંયુક્ત ઉપક્રમે મહિલા દિવસ નિમિત્તે નારી તું ના હારી કાર્યક્રમનું ઐઠોર મુકામે આયોજન કરવામાં આવ્યું. તે કાર્યક્રમમાં વિસનગરના લેખિકા પીના પટેલ ‘પિન્કી’ દ્વારા લખાયેલા બે નવલકથા વિચારોનો પેરાલિસિસ અને પ્રેમની શોધમાં પુસ્તકોનું તેમના પરિવારના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક વિશે ટુંકમાં જણાવું તો
વિચારોનું પેરેલિસિસ નવલકથાની પ્રસ્તાવના લેખક શ્રી જગદીશભાઈ રથવી સાહેબ દ્વારા લખવામાં આવી છે અને શુભેચ્છા સંદેશ વાસુદેવ ભાઈ સોઢા દ્વારા લખાયો છે.
આ નવલકથા એક એવા યુવકની સંઘર્ષ કહાની છે; જેણે અથડાતા-પછડાતા ને ઠોકરો ખાઈ ખાઈને પણ પોતાની જિંદગીને મઠારી છે. સમાજમાં અમુક ગેરમાન્યતાઓના હિસાબે ક્યાંક આપણે સાચા સંબંધો ખોઈ બેસીએ છીએ. પેરેલિસિસ થયેલી વ્યક્તિનો પેરાલિસિસ મટી શકે છે, પરંતુ જો વિચારોનો પેરેલિસિસ કોઈ વ્યક્તિને થઈ જાય તો તે અસાધ્ય બની જાય છે અને બીજાના જીવનમાં તકલીફો સિવાય કશું આપી શકતી નથી.
વિચારના વહેણ જો સાચી દિશામાં વળે તો ઉન્નતિ થાય નહીંતર વિનાશ જ સર્જે છે. ખૂબ જ ઉત્તમ વિચારો દ્વારા ગુંથાયેલું પુસ્તક વાંચવા જેવું છે. બીજું પુસ્તક પ્રેમની શોધમાં તેની પ્રસ્તાવના લેખિકા શ્રી શિતલ માલાણી દ્વારા લખવામાં આવી છે અને શુભેચ્છા સંદેશ દેવેન્દ્ર દાદા એટલે દેવેન્દ્ર પટેલ દ્વારા લખાયેલ છે. આ નવલકથા એક પ્રેમકથા છે.
અત્યારે સમાજમાં પ્રેમના નામે કિશોર-કિશોરીએ જે ખોટી રાહ અપનાવીને પોતાની જિંદગીના પગ પર જાતે કુહાડો માર્યો છે, પછી એનું પરિણામ એ બેયની સાથે આખા પરિવારે ભોગવવું પડે છે. એ જૂઠા પ્રેમની લાહ્યમાં પોતાની પાછળ જિંદગી ખર્ચી દેનારા મા-બાપની લાગણી ક્યાંય દૂર દૂર સુધી નથી દેખાતી. સાચો પ્રેમ આપનારની કદર પણ થવી જોઈએ.બસ, હવે તો તમે વાંચીને જ નક્કી કરજો કે આ પ્રેમની શોધ ક્યારે અટકશે ? લેખિકા પિના પટેલ ‘પિન્કી’એ ખૂબ જ સુંદર વાંચતા જ હ્રદય સ્પર્શી જાય તેવી બે નવલકથા સાહિત્ય જગતમાં આપી છે. તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન.