બેંક માનહાનિ મામલોઃ આજે અમદાવાદ કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર રહેવું પડશે

અમદાવાદ,
લોકસભામાં મળેલી હાર બાદથી જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમને એક બાદ એક દેશની અલગ-અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે. અમદાવાદમાં આ મામલો એક બેંક અને તેના ચેરમેનની માનહાનિનો સામે આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીને ૧૨ જુલાઈના રોજ અમદાવાદની કોર્ટમાં રજૂ થવાનું છે. અમદાવાદની સ્થાનિક કોર્ટે રાહુલ ગાંધીને તેમના દ્વારા નોટબંધી દરમિયાન આપવામાં આવેલા એક નિવેદનને લઈને નોંધાયેલા માનહાનિ કેસમાં કોર્ટ સમક્ષ ૧૨ જુલાઈના રોજ રજૂ થવાના નિર્દેશ આપ્યા છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાનું કહેવું છે કે રાહુલ ગાંધી આ મહિનાની ૧૨ તારીખના રોજ અમદાવાદની સ્થાનિક કોર્ટમાં હાજર થશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અજય પટેલે માનહાનિની ફરિયાદ કરી હતી. આપને જણાવી દઈએ કે નોટબંધી દરમિયાન રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલાએ એડીસી બેંક પર ૭૪૫ કરોડ રુપિયાની બ્લેક મનીને વ્હાઈટ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ગત વર્ષે અરજીકર્તાઓએ માનહાનિનો કેસ કર્યો હતો. માનહાનિના કેસના મામલે કોર્ટે એપ્રિલમાં સુનાવણી કરી હતી અને ત્યારે કોર્ટે રાહુલ ગાંધીને ૨૭ મેના રોજ રજૂ થવાના આદેશ આપ્યા હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરીએ અપીલ કરતા કોર્ટને કÌšં કે રાહુલ ગાંધી ૨૭ મેના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ આપવા માટે શાંતિવન જશે. એટલા માટે તેમણે કોર્ટને વધારે સમય આપવા રજૂઆત કરી હતી જેને કોર્ટે સ્વીકારતાં રાહુલ અને સૂરજેવાલાને ૧૨ જુલાઈના રોજ કોર્ટ સામે રજૂ થવા માટે આદેશ આપ્યાં હતાં.