વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક

સંકલન સમિતિમાં પૂછાયેલા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ જિલ્લા કલેકટર સી.આર.ખરસાણે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી જિલ્લા સંકલનની બેઠકમાં જણાવ્યું હતું. ભાગ-૧ની બેઠકની શરૂઆતે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સારી કામગીરી કરી સીએમ ડેસ્કબોર્ડમાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ આવતા સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્યો સર્વે ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ અને અરવિંદભાઇ પટેલે જિલ્લાના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
સંકલન બેઠકમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઇના ગત સંકલનમાં રજૂ કરેલા હાઇરાઇઝ બિલ્ડીંગોના ગટરના પાણીનો નિકાલ, રખડતા ઢોરો, ગુંદલાવ જી.આઇ.ડી.સી.ની ફેકટરીઓમાં સલામતીની વ્યવસ્થા તથા પ્રદુષણ અંગે, ફેકટરીઓમાં વીજ કનેકશન અંગેના પ્રશ્નોના નિરાકરણ અંગે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે વીજળીના પ્રશ્નો, પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ બીલખાડીના બાકી કામો પૂર્ણ કરવા જ્યારે સાંસદ ડૉ.કે.સી.પટેલે રસ્તાના કામોમાં ઝડપ લાવવા અંગે પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા જિલ્લા કલેકટર દ્વારા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી તે માટે જરૂરી માર્ગદર્શન અને સુચનો પણ કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતાં જિલ્લાના લોકો અને તમામ સરપંચોને ગામ પ્રત્યે જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરવા ગામમાં બંધ પડેલા બોરિંગ અને કુવામાં વરસાદી પાણી જાય તે માટે માર્ગદર્શન આપવા ઉપસ્થિત પદાધિકારીઓ/અધિકારીઓને જિલ્લા કલેકટર સી.આર. ખરસાણે જણાવ્યું હતું. ભાગ-૨ની બેઠકમાં કર્મચારીઓના પેન્શન કેસો, નિવૃત્ત થનાર કર્મચારીઓ, સરકારી લેણાં, માહિતી અધિકાર હેઠળની અરજીઓનો નિકાલ, બાકી તુમારો અંગેની કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેકટર કમલેશ બોર્ડર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.