ગાંધીનગર – આદર્શનગરમાં બે ભાઈઓ પર ચેનલ ઓપરેટરનો હુમલો

(પ્રતિનિધિ) ગાંધીનગર,
ગાંધીનગર શહેરના સેકટર-૨૪ ખાતે ટીવીની ચેનલ બંધ થઈ જવાની સામાન્ય બાબતે બે ભાઈઓ પર ચેનલ ઓપરેટર સહિત ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. બંન્ને ભાઈઓને લોખંડની પાઈપ અને ધોકા વડે માર મારતા સમયે વચ્ચે બચાવવા પડેલા યુવકના માતાને પણ ગળદાપાટુનો માર માર્યો હતો. તો સામે પક્ષે હુમલાનો ભોગ બનેલા બંન્ને ભાઈઓ સામે પણ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવા પામી છે. બનાવ અંગે સેકટર-૨૧ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
આદર્શનગરમાં રહેતા વિશ્વરાજસિંહ દિલિપસિંહ વાઘેલા ઉં.વ.૨૧ ની ફરીયાદ મુજબ રવિવારે ઘરમાં ટીવી ચેનલ બંધ થઈ જતા ઓપરેટર દુષ્યંતભાઈ રાઓલે સરખો જવાબ આપ્યો ન હતો. સાંજે નાનાભાઈ સાથે નીકળેલા ફરીયાદી સાથે ખ-૫ પાસે થોડી માથાકુટ થઈ હતી. ત્યારબાદ છ વાગ્યા બાદ દુષ્યંતસિંહ રાઓલ, સોહિલ મલેક ( રહે. સે-૨૪) તેમજ બીજા બે અજાણ્યા શખ્સો ફરીયાદીના ઘરે આવ્યા હતા. તેઓએ ચેનલ અંગે ઝઘડો કરી અમારી ચેનલ બંધ રહેશે થાય તે કરી લે કહીને અપશબ્દો બોલ્યા હતા. જેને પગલે ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા દુષ્યંતે સિંહે પોતાના હાથમાં રહેલો ધોકો ફરીયાદીને ખભા પર માર્યો હતો. જયારે સોહિલે લોખંડની પાઈપ માથામાં મારી દીધી હતી.
મારામારી સમયે બચાવવા માટે વચ્ચે પડેલા ફરીયાદીના નાના ભાઈ કુલદિપસિંહને અને તેના માતાને પણ અન્ય બે શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. જા કે આસપાસના વસાહતીઓ એકઠા થઈ થઈ જતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. તો સામે પક્ષે સોહિલ મલેક દ્વારા પણ ફરીયાદ નોંધાઈ છે જેમાં સોહિલ અને દુષ્યંતસિંહ ચેનલની સમસ્યા હલ કરવા માટે વિશ્વરાજને ઘરે ગયા હતા. ત્યારે તે ગુસ્સે થઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. તેણે બંન્ને સાથે ઝપાઝપી કરીને સોહિલને મોઢા પર મુક્કો માર્યો હતો. આ સમયે કુલદિપસિંહે પણ તેને ગળદાપાટુનો માર માર્યો હતો. સ્થાનિક વસાહતીઓએ વચ્ચે પડીને તેઓને છોડાવતા બંન્ને ભાઈઓએ ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સેકટર-૨૧ પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદ લઈ તપાસ શરુ કરી છે.