સુરત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ હિપેટાઇટીસ દિવસની ઉજવણી

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મહિલા સભા, લઘુશિબિરો, જનજાગૃતિ રેલી, શાળાઓમાં વાર્તાલાપો,પપેટ શો યોજી લોકોને જાગૃત્ત કરાયા
સુરત,
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જુલાઈ માસની તા.૨૬ થી ૨૮ દરમિયાન ‘વિશ્વ હિપેટાઇટીસ દિવસ’ તરીકે ઉજવણી અંતર્ગત સુરત જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિશ્વ હિપેટાઇટીસ દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિનાં કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હસમુખ ચૌધરી, સુરતનાં ઇ.એમ.ઓ.ડો.પિયુષ શાહનાં માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મહિલા સભાઓ, લઘુશિબિરો, જનજાગૃતિ રેલીઓ, શાળાઓમાં આર.બી.એસ.કે.ટીમો દ્વારા હિપેટાઇટીસ અંગે વાર્તાલાપો તેમજ સપ્તધારાની ટીમો દ્વારા પપેટ શો, જ્ઞાનધારાના બુલેટિન બોર્ડ તેમજ આશાબહેનોની મીટીંગોમાં પી.એચ.સી.ના મેડિકલ ઓફિસરો દ્વારા માર્ગદર્શન આપીને વિશ્વ હિપેટાઈટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સુરત જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી અને ડો.પરેશ સુરતી, એપેડેમીયોલોજીસ્ટની રાહબરી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મેડીકલ ઓફિસરશ્રીઓ, આરોગ્ય સુપરવાઇઝરો, આરોગ્ય કર્મચારીઓ, આશા અને આશા ફેસીલિટેટર બહેનો દ્વારા વિશ્વ હિપેટાઇટીસ દિવસ ઉજવણીનાં કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનાં સી.એચ.ઓ. દ્વારા ગ્રામ્ય કક્ષાએ જનજાગૃતિના કાર્યક્રમો યોજીને વિશ્વ હિપેટાઇટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.