ઓલપાડમાં મેઘતાંડવ… ચાર કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબક્યો

સુરત,
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં શનિવારે મેઘતાંડવ જાવા મળતા સવારના ચાર કલાકમાં ૧૨ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઠેર-ઠેર ગામોમાં પાણી ભરાયા હતા. ઓલપાડ ટાઉનમાં કેડ સમા પાણી ફરી વળતા ૧૨૬૧ વ્યક્તિનું સ્થળાંતર કરાવ્યું હતું સાથે જ એનડીઆરએફની ટીમ પણ કાર્યરત થઇ ગઇ હતી. પૂર નિયંત્રણ કક્ષના અહેવાલ મુજબ સુરત જિલ્લામાં પણ મેઘ તાંડવ જાવા મળ્યું હતું. મળસ્કે શરૂ થયેલો વરસાદ સુરત જિલ્લામાં તમામ તાલુકામાં દોઢ ઇંચથી લઇને ૧૨ ઇંચ સુધીનો ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું.
જેમાં ઓલપાડ તાલુકામાં આભ ફાટ્યું હોય તેમ સવારે ૬ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીના ચાર કલાકમાં મુશળધાર ૧૨ ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ખાસ કરીને ઓલપાડના નિચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા ૧૨૬૧ વ્યક્તિનું સ્થળાંતર કરાવ્યું હતું. વાપીમાં ૨૨૧ મી.મી. એટલે કે ૯ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સવારથી જ મેઘરાજા આક્રમક બનીને વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. શાળામાં પણ રજા જાહેર કરી દેવાઇ હતી. ભારે વરસાદને પગલે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તમામ આચાર્યને સુચના આપી હતી કે આચાર્યોએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને શાળાઓમાં રજા રાખવી કે નહીં તેનો નિર્ણય લેવાનો રહેશે.
જાકે દેમાર વરસાદથી વાલીઓએ સવારે જ બાળકોને શાળાએ મોકલવાનું હિતાવહ લાગ્યું ના હોવાથી મોકલ્યા ના હતા. તો કેટલીક જગ્યાએ પાણી ભરાતા સ્કૂલવાન પણ જઈ શકતી ન હતી. ઓલપાડની પરિસ્થિતિ થોડી વિકટ બનતા એનડીઆરએફની એક ટીમ ત્યાં બચાવ કામગીરી માટે મોકલી અપાઇ હતી. ઓલપાડ ટાઉનની અંદર તેમજ ચારે બાજુ પાણી ફરી વળતાં જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. ઓલપાડ સિવાય સુરત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ દેમાર વરસાદ ઝીંકાયો હતો જાકે ૧૦ વાગ્યા પછી વરસાદ ધીમો પડતા રાહત અનુભવી હતી.