ઠાસરા ખાતે ‘‘મહિલા કૃષિ દિવસ’’ની ઉજવણી કરાઇ

નડિયાદ,
મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર ઠાસરા ખાતે જિલ્લા પંચાયતની કૃષિ શાખા અને આત્મા પ્રોજેકટ, ઠાસરાના સંયુક્ત ઉપક્રમે મહિલા કૃષિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોનાં જૂથને ખેતી, પશુપાલન અને બાગાયત પાકોની ખેતીની તલસ્પર્શી જાણકારી આપી ઉપસ્થિત મહિલાઓને કૃષિ અને પશુપાલનમાં મહિલાઓનું નેતૃત્વ વધારવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ.આર.સોનારાએ જણાવ્યું હતું કે, પશુપાલન, દુધાળા ઢોરની માવજત, ડેરી સંચાલન વગેરે વિષયોમાં આધુનિક જ્ઞાનથી મહિલાઓ ખેતી સાથે પશુપાલનમાં પણ અનેરું યોગદાન આપી રહી છે. મહિલાઓ ઘર અને પરિવારની જવાબદારીની સાથોસાથ પશુપાલન અને ખેતીમાં પણ યોગદાન આપી રહી છે. તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની કૃષિ કલ્યાણ યોજનાઓનો બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવ્યું હતું.આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી પી.આર.દવેએ જણાવ્યું કે, ખેતી સહિત અનેક વ્યવસાયોમાં હવે મહિલાઓના સાથ અને સહકાર વિના પ્રગતિ કરવી મુશ્કેલ છે. તેમણે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબની ખેતી સાથે પશુપાલનના ફાયદા સમજાવી ખેતી હોય કે પશુપાલનનો પૂરક વ્યવસાય હોય, મહિલાઓ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બની સમાજમાં પોતાનું આગવું પ્રદાન આપે તેવી આશા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિક પટેલ,નાયબ પશુપાલન નિયામક ર્ડા.વી.કે.જોષી, પશુપાલન અધિકારી ર્ડા.વાઢેર સહિત મહિલા પશુપાલકો ઉપસ્થિત રહી હતી.