બાઇ આવાબાઇ હાઇસ્કૂલ-વલસાડ ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરાઇ

વલસાડ,
વલસાડની બાઇ આવાંબાઇ હાઇસ્કૂલ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયું ઉજવણીના ભાગરૂપે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની સહનશીલતા ધરાવે છે. શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં મહિલાઓનું મહત્ત્વનું યોગદાન રહયું છે. બાળકોમાં સારા સંસ્કાર આવે તે પ્રકારનું શિક્ષણ મળે તેવા રાજ્ય સરકારના પ્રયાસો છે. સમાજમાં શિક્ષકોનું સ્થાન ખૂબ ઊંચું છે. મહિલાઓનું સમાજમાં ગોરવ વધારવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે. તેજસ્વી તારલાઓના સન્માન સમારંભોમાં પણ મહદઅંશે દીકરીઓ જ હોય છે. જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇએ જણાવ્યું હતું કે, પ્રેરણાનો સ્રોત કોઇપણ હોઇ શકે છે. બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળે તે માટે શિક્ષકોનું ઉત્તરદાયિત્વ યોગ્ય રીતે નિભાવે તે જરૂરી છે. શિક્ષણ મેળવવા માટે પાત્રતા હોવી જોઇએ અને શિક્ષણ મેળવવાની સાથે ભણતરની દરેક વાતોને જીવનમાં ઉતારવી જોઇએ. વિદ્યાર્થીઓને સફળ ભવિષ્યની શુભકામના પાઠવી જીવનમાં આગળ વધવા કોઇપણ સિદ્ધિ મેળવવા માટે મહેનત કરતા રહેવા જણાવ્યું હતું. તેમણે શાળાની વિદ્યાર્થીઓ સાથે નીચે બેસીને કાર્યક્રમને માણ્યો હતો અને તેમની સાથે શૈક્ષણિક વાર્તાલાપ અને પ્રશ્નોત્તરી કરી શિક્ષણમાં પડતી મુશ્કેલીઓ સામે સતત લડતા રહેવા જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યા વી.કે.કાપડીયાએ મહિલા શિક્ષણ દિવસની ઉજવણીનો આશય પોતાની ક્ષમતાઓને ઓળખી આગળ વધારી વિકાસ સાધે તે હોવાનું જણાવ્યું હતું. મહિલાઓ સશક્ત બને તે માટે રાજ્ય સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. તંદુરસ્ત સમાજના નિર્માણમાં મહિલાઓનો ફાળો અગત્યનો છે. શિક્ષણ એ મહિલાઓના જીવનની સુખની ચાવી છે, જે ધ્યાને રાખી દરેક દીકરીઓ ભણી ગણીને આગળ વધે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી. ભૂમિપૂત્રની લેખિકા આશાબેન શાહે મહિલાઓમાં શિક્ષણ થકી કેળવણી બાબતે તેમજ ડૉ.યોગિની રોલેકરે તારૂણ્ય શિક્ષણ વિષય ઉપર દૃષ્ટાંતો સહિત વિસ્તૃત સમજણ આપી મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર કુ. જાનકી ત્રિવેદીને સન્માનપત્ર, ધોરણ ૧૦ અને ૧૨માં પ્રથમ પાંચ ક્રમે આવનારી વિદ્યાર્થીનીઓને બેટી બચાવો-બેટી પઢાઓ અંતર્ગત ચેક અને સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆતમાં સ્વ. સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ અર્પવા માટે બે મીનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વાય.એચ.પટેલ, શાળાની વિદ્યાર્થીનીઓ સહિત નગરની મહિલાઓ હાજર રહી હતી. આભારવિધિ શિક્ષણ નિરીક્ષક આશાબેને કરી હતી.