સુષ્મા સ્વરાજનાં નિધનથી ક્રિકેટ જગત શોકમાં, કોહલી-સહેવાગ થયા ભાવુક

ન્યુ દિલ્હી,
ભારતીય જનતા પાર્ટીની દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારની રાત્રે એમ્સમાં નિધન થઇ ગયું. તેઓ ૬૭ વર્ષનાં હતાં. મંગળવારની રાતે હ્રદય રોગનો હુમલો થતા ખુબ જ નાજુક હાલતમાં તેમને રાત્રે ૯ વાગે એમ્સ લાવવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટર તેમને બચાવી શક્યા નહી. સુષ્મા સ્વરાજના નિધન પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દુખ વ્યક્ત કર્યુ. વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યુ,’સુષ્માજીના નિધનના સમાચાર સાંભળી ખુબ જ દુખ થયુ. તેમની આત્માને શાંતિ મળે.’ વિરાટ કોહલી સિવાય પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, મોહમ્મદ કેફ, ગૌતમ ગંભીર અને બોક્સર વિજેંદર સિંહએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ તેમના ઘરે પહોંચી શ્રદ્ધાંજલિ આપી. સવારથી લોકો તેમના આવાસ પર પહોંચી ગયા હતા. બપોરે ૩ વાગ્યા બાદ તેમના નશ્વર દેહનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.