બનાસકાંઠાના ટેટોડા ખાતે ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદ્દઘાટન કરતાં મુખ્યમંત્રી

બનાસકાંઠાના ટેટોડા ખાતે ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદ્દઘાટન કરતાં મુખ્યમંત્રી
Spread the love

પાલનપુર
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જીવમાત્રની રક્ષા થાય તે માટે રાજય સરકાર કટીબધ્ધ છે તેમ જણાવી રાજયમાં જીવમાત્રની રક્ષા થાય તે માટે કરૂણા અભિયાન- કરૂણા એમ્બ્યુલન્સની સેવા દ્વારા અનેક અબોલ પશુ-પક્ષીઓની રક્ષા-સુરક્ષા કરાઇ છે તે કડીમાં આજની ગૌમાતા હોસ્પિટલ સોનેરી પીંચ્છ સમાન બની રહેશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠાના ડીસા તાલુકાના ટેટેડા ખાતે આવેલ ધન્વંતરી ગૌમાતા હોસ્પિટલનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગીતા, ગંગા, ગીરધર અને ગાયત્રીની ઉપાસનાનું ગૌરવ કરાયું છે તેથી જ આપણે ત્યાં જીવથી શિવ અને વ્યક્તિથી સમષ્ટિ અને આત્માથી પરમાત્માનો મહિમા ગવાયો છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વૃધ્ધોની સેવા કરવી, દિવ્યાંગોની સેવા કરવી, તે જ રીતે પશુ દૂધાળુ હોય કે ન હોય પરંતુ તેના સેવા-સુશ્રુષા કરવી એ આપણી પરંપરા રહી છે. વ્યક્તિ પોતાના માટે ઘણું કરે છે પરંતુ બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખીનાં ન્યાયે નિસ્વાર્થ ભાવે પશુઓની સેવા માટે ગૌશાળાના નિર્માણ જેવા ઉપક્રમો યુવા પેઢીને સેવાભાવની પ્રેરણા ચોક્કસ આપશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે રાજયમાં કરૂણા અભિયાન, પશુઓ માટેની એમ્બ્યુલન્સ તથા પશુઓ માટે પણ આઇ.સી.યુ. અને પ્રિ-ઓપરેશન અને પોસ્ટ ઓપરેશન માટે પશુપાલન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓની સમજ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ચાલુ વર્ષે ઓછા વરસાદવાળા ૯૧ તાલુકાઓને ઇનપુટ સબસીડી આપી છે. વરસાદની વધુ અછતવાળા ૫૧ તાલુકાઓમાં ૧૪ કરોડ કિલો ઘાસચારાનું વિતરણ કરવા સાથે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં કરોડો રૂપિયાની સબસીડી ઘાસચારા અને પશુઓના નિભાવ-નિર્વાહ માટે આપી છે. તેમણે કહ્યું કે, રાજય સરકાર ગરીબ, પિડીત, શોષિતને અગ્રીમતા આપી ખેતી-ગામડું સમૃધ્ધ થાય, ખેડૂતની આવક બમણી થાય, પશુપાલકોનું દૂધ ઉત્પાદન વધે તે માટે કટીબધ્ધ છે. ખેડૂતોની મોલાત સૂકાઇ ન જાય તે માટે સુજલામ-સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના તળાવો નર્મદાના નીરથી ભરવાનો કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે તેની વિગતો આપતાં તેમણે કહ્યું કે પાણીના અભાવે ખેડૂતોનો પરિશ્રમ કોઇકાળે એળે જવા દેવાશે નહીં. મુખ્યમંત્રીશ્રીએ જીવદયા માટે હોસ્પિટલના નિર્માણ માટે સહયોગ આપનાર જીવદયા પ્રેમીઓ, ગૌશાળાના સંચાલકોને અભિનંદન આપ્યાર હતાં. તેમણે ગૌશાળા માટે અપાયેલ રૂ. ૧૧ લાખના ચેકનો ગૌશાળા વતી સ્વીકાર કર્યો હતો. ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ જણાવ્યું કે રાજય સરકારે ૭૦ થી ૮૦ કરોડની ઘાસચારાની સહાય પૂરી પાડી બનાસકાંઠાનાં પશુધન જીવાડવાની અદ્દભૂત સેવા કરી છે. આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી કિર્તીસિંહ વાઘેલા, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી કેશાજી ચૌહાણ, પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઇ ચૌધરી, ડીસા માર્કેટયાર્ડના ચેરમેનશ્રી માવજીભાઇ દેસાઇ, મહંતશ્રી રામરતનજી મહારાજ, શ્રી ગોવિંદવલ્લભજી મહારાજ, શ્રી જાનકીદાસજી મહારાજ, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી માનસિંહ વાઘેલા, પદ્મશ્રી ખેડૂતશ્રી ગેનાજી પટેલ, કલેકટરશ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એ.શાહ સહિત અધિકારી, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!