વિરમગામ શહેર સહિત જિલ્લાભરમાં 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ

15મી ઓગસ્ટના દિવસે દેશભારમાં 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે વિરમગામ શહેર સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં પણ વિવિધ સ્થાનો પર સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ તાલુકાના વાંસવા ગામ ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાંવિરમગામના નવનિયુક્ત મામલતદાર કુંજલ શાહે ધ્વજ વંદન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર (એએસપી), વિરમગામ ગ્રામ્ય પીએસઆઇ કે.એન.ભૂકણ, પ્રમુખ લક્ષ્મણભાઇ મોરી સહિત હોદ્દેદારો આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા કે.બી.શાહ વિનય શાળામાં ઘ્વજવંદન કર્યું હતુ. વિરમગામ નગરપાલિકા ખાતે પ્રમુખ રીનેબેન પંડ્યાએ ધ્વજવંદન કર્યું હતુ. શ્રી માધ્યમિક શાળા (દિવ્ય જ્યોત વિદ્યાવિહાર) વિરમગામ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ તાલુકા સેવા સદન ખાતે નાયબ મામલતદાર લાલજીભાઇ ચાવડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિરમગામ શહેર પ્રમુખ નરેશભાઇ શાહ, યુવા મોર્ચા પ્રમુખ હિતેશ મુનસરા, બીરજુ ગુપ્તા, મહામંત્રી મોતીસિંહ ઠાકોર સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા 73 મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અને રક્ષાબંઘન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ પરીવાર દ્વારા શહેરના ઠક્કરબાપા સાર્વજનિક છાત્રાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વની સાથે રક્ષાબંઘન પર્વ ની ઉજવણી કરાઇ હતી. મધુસુદન સોસાયટીના સહયોગથી યુવાશક્તિ ગ્રુપ તથા આંતરરાષ્ટ્રીય હિંદુ સેના દ્વારા ધ્વજવંદન તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિરમગામ શહેરની વિવિધ શાળાઓ-કોલેજ સામાજીક સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય દિવસ અને રક્ષાબંઘન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. 73મા સ્વાતંત્ર્ય દિવસ પર યુવાનો દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.