ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કર્મીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા

ડૉ. ચિંતન ગોંડલિયા, ડૉ. પરેશ ગજ્જર, બાયોમેડિકલ એન્જીનીયર પ્રિયકાંત પરમાર અને એક્સ રે ટેકનીશીયન શ્રી નિરવ મોઢની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવાઇ
સરકારી સેવા બાદ ગંભીર રોગોમાં ગ્રામ્યસ્તરે કેમ્પ, વૃધ્ધાશ્રમોમાં દાદા-દાદીની વિનામૂલ્યે સારવાર અને મોંઘા સાધનોની જાળવણી-શ્રેષ્ઠ કામગીરીની નોંધ લેવાઇ
સીવીલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે ફરજનિષ્ઠ કર્મીઓ દ્વારા સરકારી સેવાઓ બાદ માનવીય અભિગમ દાખવીને ગ્રામ્યસ્તરે ગંભીર રોગોમાં ગ્રામ્યસ્તરે કેમ્પ, વૃધ્ધાશ્રમોમાં દાદા-દાદીની વિનામૂલ્યે સારવાર અને સાધનોની જાળવણી-શ્રેષ્ઠ કામગીરીની નોંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લઇને તબીબો અને પેરામેડીકલ સ્ટાફને સ્વતંત્ર પર્વ નિમિત્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા છે. કર્મયોગીઓ દ્વારા કરાયેલા આ ઉમદા કાર્યની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લઇને વહીવટી તંત્ર દ્વારા પ્રેરક બળ પુરૂં પડાયું છે તે બદલ સમગ્ર ટીમે વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઇકાલે ૧૫મી ઓગસ્ટ, ર૦૧૯ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં સીવીલ હોસ્પિટલ ગાંધીનગરના બીનચેપી રોગ વિભાગના વડા ડૉ. ચિંતન એમ ગોંડલીયાને આષુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતના પ્રથમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે શ્રેષ્ઠ કામગીરી તેમજ ગંભીર રોગોમાં છેવાડાના નાગરિકોને ૬૦૦ થી વધુ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવા માટે તથા સનસેટ મેડીકલ રિલિફ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વૃદ્ધાશ્રમોમાં દાદા-દાદીની શ્રેષ્ઠ વિનામૂલ્યે સારવાર-દવાની કામગીરી માટે ર્ડા. પરેશ ગજ્જર અને બાયોમેડિકલ એન્જીનીયર શ્રી પ્રિયકાંતભાઇ પરમારને હોસ્પિટલ ખાતેના મોંઘા સાધનોની શ્રેષ્ઠ જાળવણી માટે તથા એક્સ-રે ટેકનીશીયન શ્રી નિરવ મોઢને એકસ-રેની શ્રેષ્ઠ કામગીરી માટે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંજયકુમારે સન્માનિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજના હેઠળ ગાંધીનગર સિવીલી હોસ્પિટલના આઇ.સી.યુ.ના તબીબો સરકારી સેવાઓ બાદના સમયમાં આ માનવીય કામગીરી કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સિવીલ હોસ્પિટલ, ગાંધીનગરના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. નિયતી લાખાણી, આર.એમ.ઓ. ર્ડા. આર. એચ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ રાજભવન ખાતે ફરજનિષ્ઠ ર્ડા. શશાંક શિમ્પી તેમજ આઇ.સી.યુ. ગાંધીનગર ખાતે ફરજનિષ્ઠ ર્ડા. પરેશ ગજ્જર, ર્ડા. વિનયકુમાર, ર્ડા. કલ્પેશ પરીખ તથા અન્ય પેરામેડીકલ સ્ટાફ દ્વારા ઉત્સાહપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.
નવી પેઢીના વૈચારિક મતભેદોના પરિણામે સમાજમાં વૃદ્ધાશ્રમો જેવી સંસ્થાઓનો ઉદય થયો છે ત્યારે આ વૃદ્ધાશ્રમોમાં રહેતા દાદા-દાદીઓને વિનામૂલ્યે સારવાર પૂરી પાડવાનું સનસેટ મેડીકલ રીલીફ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટે બીડું ઝડપ્યું અને છેલ્લા સાત વર્ષમાં ગાંધીનગરની આસપાસના ૧૬થી વધુ વૃદ્ધાશ્રમોમાં રહેતા ૬૦૦થી વધુ દાદા-દાદીઓને નિયમિત રીતે રૂબરૂ જઇને સારવાર-દવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે.
………………………………………