પંડવાઈ ખાતે જિલ્લા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ

પંડવાઈ ખાતે જિલ્લા કક્ષાનો ૭૦મો વન મહોત્સવ
Spread the love
પ્રત્યેક વ્યક્તિને દર વર્ષે એક વૃક્ષનું વાવેતર, જતન અને સંવર્ધન માટે સંકલ્પબધ્ધ થવાનું આહવાન કરતાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ

વન ખાતાના કર્મયોગીઓ, પ્રગતિશીલ ખેડૂતો, પર્યાવરણ પ્રેમી શિક્ષકશ્રી હરીસિંહ રાજનું મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા

નર્સરીમાં રોપા ઉછેર બદલ વિવિધ સહાયના ચેકો મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયા


રાજ્ય સરકાર દ્વારા ઉજવાતા ૭૦ મા વન મહોત્સવ અંતર્ગત આજરોજ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ દ્વારા આયોજિત ભરૂચ જિલ્લા કક્ષાનો વનમહોત્સવ સહકાર વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને હાંસોટ તાલુકામાં આવેલ સુગર ફેકટરી પંડવાઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસરના ધારાસભ્યશ્રી સંજયભાઈ સોલંકી, જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી ક્ષિપ્રા આગ્રે, નાયબ વનસંરક્ષકશ્રી આર.બી.પટેલ સહિત વનવિભાગના અધિકારીઓ, વરિષ્ઠ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે આજના જિલ્લા કક્ષાના વનમહોત્સવને દિપ પ્રગટ્ય કરી ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ભરૂચના પનોતાપુત્રશ્રી કનૈયાલાલ મુન્શીએ વર્ષ ૧૯પ૦ માં વન મહોત્સવનો ઉજવણીની શરૂઆત કરી હતી. જે અંતર્ગત દર વર્ષ મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરીને વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં ૧૯૬૯-૭૦ ના અરસામાં સામાજિક વનીકરણની યોજના જોડીને વનમહોત્સવની શરૂઆત કરાઈ છે. ૨૦૧૭ માં જંગલ વિસ્તાર સિવાયના બહારના ૨.૮૭% નો વૃક્ષ આચ્છાદિત વિસ્તારની માત્રામાં વધારો થતાં હાલના તેની ટકાવારીમાં ૪.૦૬% નોંધાઈ છે. રાજ્યકક્ષાના વનમહોત્સવમાં બદલાવ લાવવા માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના આજના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૪ થી થયેલી સાંસ્કૃત્તિક વનની પરંપરા અન્વયે રાજ્યમાં આજદિન સુધી ૧૯ જેટલા સાંસ્કૃત્તિક વનોનું લોકાર્પન થયું છે અને જેના થકી બાળકો, યુવાનો અને વૃક્ષ પ્રેમીઓમાં પર્યાવરણની વિશેષ સમજ કેળવાઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજના ગ્લોબલ વોર્મિંગના પડકારઓને પહોંચીવળવાનો કોઈ ઉપાય હોય તો તે વૃક્ષો છે. મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી દરેક કાર્યોમાં વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી બને છે. વૃક્ષોનું અનેરૂં મહત્વ સમજાવતા મંત્રીશ્રીએ પ્રત્યેક વ્યક્તિને પ્રતિ વર્ષ એક વૃક્ષનું વાવેતરા કરીને તેના ઉછેર-જતન અને સંવર્ધન માટે સંકલ્પબધ્ધ થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ક્ષિપ્રા આગ્રે વૃક્ષારોપણનું મહત્વ સમજાવી રાજ્ય સરકારે તે દિશામાં સાધેલી પ્રગતિની વિગતે માહિતી આપી હતી.

નાયબ વનસંરક્ષકશ્રી આર.બી.પટેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લામાં હાલમાં સરકારી, બિનસરકારી, સહકારી સંસ્થા, ગ્રામપંચાયત – નગરપાલિકા – શાળાઓ વિગેરે તેમને જરૂરીયાત મુજબનબા વિનામુલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૨૪ લાખ રોપા ઉછેર કરવામાં આવ્યા છે. વિવિધ ખાતાકીય યોજના હેઠળ કુલ ૨૧૨ હેકટરમાં ૧.૧૩ લાખ રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. તેમણે ચોમાસા દરમ્યાન ભરૂચ વનવિભાગ ધ્વારા જુદી જુદી યોજના હેઠળ થયેલ કામગીરીની વિગતો આપી હતી.

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે નર્સરીમાં રોપા ઉછેર બદલ વિવિધ સહાયના ચેકો મંત્રીશ્રીના હસ્તે એનાયત કરાયા હતા. આ ઉપરાંત વનખાતાના કર્મયોગીઓ, પ્રગતિશીલ ખેડૂતો, પર્યાવરણ પ્રેમી શિક્ષકશ્રી હરિસિંહ રાજનું મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમના અંતે મદદનીશ વનસંરક્ષકશ્રી ભાવનાબેન દેસાઈએ આભારવિધિ કરી હતી. આ ૭૦ મા વનમહોત્સવના કાર્યક્રમમાં આગેવાન પદાધિકારીશ્રીઓ, પંડવાઈ સુગરના હોદ્દેદારો, વનખાતાના અધિકારીગણ, લાભાર્થીઓ, જુદા-જુદા ગામોના સરપંચો તથા ગ્રામજનો અને વૃક્ષપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.  કાર્યક્રમ બાદ મંત્રીશ્રીએ વૃક્ષ રથને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું તથા સુગર ફેકટરી – પંડવાઈ ખાતે મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!