થરાદના ચાંગલા ગામે આકાશમાંથી ભેદી યંત્ર પડતાં લોકોમાં ફફડાટ

થરાદ,
બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં આકાશમાંથી યંત્ર પડતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મોટા પેરાશૂટ આકારના બલૂન સાથે આકાશમાંથી ભેદી યંત્ર પડતાં લોકોએ તંત્રને જાણ કરી હતી. બનાસકાંઠામાં થરાદના ચાંગલા ગામમાં એક ખેતરમાં અચાનક આકાશમાંથી ભેદી બોક્સ નીચે પડતા લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો.
ફફડાટ પામેલા લોકોએ એકઠા થઇ આ ભેદી બોક્સ વિશે તરત તંત્રને જાણ કરતાં તરત પોલીસ કાફલો ચાંગલા ગામે આવી પહોંચ્યો હતો. પોલીસે આકાશમાંથી પડેલા ભેદી બોક્સને લઇને તરત તપાસ કરી હતી, તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અમદાવાદ હવામાન વિભાગે હવામાનની તપાસ કરવા આ પેરાશૂટ આકારના બલૂન યંત્ર છોડ્યું હતું.
જ્યારે હવામાન વિભાગે યંત્ર છોડ્યું હોવાની જાણ થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.