રાજ્યકક્ષાના ૭૦મા વન મહોત્સવમાં ભરૂચની ત્રણ ગ્રામપંચાયતને રૂ. ૨૩.૬૫ લાખના ચેક અર્પણ

ગ્રામ વન હરાજીની ઉપજેલ રકમ થકી ગ્રામ પંચાયતોને મળી આવક
અમદાવાદ ખાતે યોજાયેલા ૭૦ મા વન મહોત્સવ અવસરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પર્યાવરણની વૈશ્વિક સમસ્યાના ઉપાય અને ગ્રીન – ક્લીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વૃક્ષ – વન ઉછેર સમયની માંગ છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો તેમણે પર્યાવરણના જતન – સંતુલન સાથે ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવવા એક વ્યક્તિ એક વૃક્ષનો સંકલ્પ સાકાર કરવા પણ આહવાન કર્યું છે. જિલ્લા – તાલુકા અને ગ્રામ કક્ષાએ વૃક્ષ વાવેતર – ઉછેરની તંદુરસ્ત સ્પર્ધા થાય અને ગ્રીન કવર વધે તેવી હિમાયત પણ તેમણે કરી હતી. આવું જ વાવેતર ભરૂચ જિલ્લાની આમોદ તાલુકાની ઘમણાદ, વાલીયા તાલુકાની હીરાપોર અને રૂંઢ ગ્રામ પંચાયતોએ કરી બતાવ્યું છે.
૭૦ મા વન મહોત્સવ ઉજવણી અવસરે ભરૂચ જિલ્લાની આમોદ તાલુકાની ઘમણાદ ગ્રામ પંચાયતને રૂ.૮,૨૩,૨૪૬/- નો ચેક ગામના સરપંચ શ્રીમતી નીરૂબેન વિનુભાઈ પંચાલને, વાલીયા તાલુકાના હિરાપોર ગ્રામ પંચાયતને રૂ.૭,૯૬,૧૮૮/- નો ચેક સરપંચ શ્રી રાજેશભાઈ ભીખાભાઈ વસાવાને અને વાલીયા તાલુકાના રૂંઢ ગ્રામ પંચાયતને રૂ.૭,૪૬,૧૮૧/- નો ચેક સરપંચ શ્રી રૂપસંગભાઈ ગંભીરભાઈ વસાવાને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાની આ ત્રણ પંચાયતોએ પંચાયત હસ્તકની ગૌચર જમીનમાં સામાજિક વનીકરણની ગ્રામ વન યોજના હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષો પુખ્તવયના થતાં તેની હરાજી કરવામાં આવી હતી. ગ્રામ વન હરાજીની ઉપજની રકમ વિકાસના કામે ત્રણેય ગ્રામ પંચાયતોને સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ ધ્વારા ફાળવવામાં આવેલ હતી.