ઝેરી કેમિકલ ફેલાવતાં ઔદ્યોગિક એકમો પર રાજ્ય સરકારના આશીર્વાદ…!

ભાવેશ મુલાણી, અંકલેશ્વર
ભરૂચ જિલ્લામાં પાંચ મોટી ઔદ્યોગિક વસાહતો અંકલેશ્વર, ભરૂચ, દહેજ, ઝઘડીયા અને પાનોલી આવેલી છે. ઔધોગિક વસાહતના ઉદ્યોગકારો જિલ્લામાં આવેલી નદી, નાળા અને અન્ય જળાશયોમાં બેરોકટોક દુષિત પાણી ઠાલવી અને હવામાં ઝેરી ગેસ છોડી લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યા છે.
ઉદ્યોગિક એકમો દ્વારા કેમિકલવાળું પાણી જળાશયોમાં છોડવામાં આવતાં અને હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતા લોકોના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અનેકો ફરિયાદો થયા પછી પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને વહીવટી તંત્ર જળાશયોમાં ઝેર સમાન દુષિત પાણી અને હવા માં ઝેરી ગેસ છોડતાં ઉધોગકારો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. તંત્ર માત્ર નોટીસો ફટકારી સંતોષ માનીને બેઠું છે એવું લોકમુખે ચર્ચાતું સાંભળવા મળી રહ્યું છે.
કેટલાક લોકો તો એવી પણ વાતો કરતાં સાંભળવા મળ્યાં છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રાજ્ય કક્ષાની કચેરી તથા તમામ સ્થાનિક કક્ષાએ આવેલી કચેરીઓના છુપા આશીર્વાદથી અને તેઓના મેળાપીપણાથી જ આવા ગોરખધંધાઓ વધારેને વધારે ફૂલીફાલી રહ્યાં છે. જો આમ ન હોય તો તેઓ શું કામ કોઈ ઠોસ કાર્યવાહી કરતાં નથી ?
સરકાર સર્વોપરિ હોવા છતાં આવા ઔદ્યોગિક એકમો તેઓને ગાંઠતા ન હોય તો સરકારમાં પાણી નથી તેમ ચોક્કસપણે માની શકાય ખરું. પ્રશાસન અને સરકારની ઉપર કોઈ નહિ હોવા છતાં આવી પ્રવૃત્તિ બેરોકટોકપણે ચાલી રહી છે તે આ જ વાતની ચાડી ખાય છે કે, વર્તમાન સરકાર અને તેના અધિકારીઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને લાગતા વળગતાં કર્મચારીઓ ભ્રષ્ટતાના ભોરીંગમાં રમમાણ બની ચૂક્યાં છે.
સમાજમાં ચાલતી તમામ પ્રકારની બદીને અંકુશમાં લેવાની જવાબદારી સરકારની છે. પરંતુ સરકાર અને તેના લાંચિયા સત્તાધીશોવાળા માત્ર નોટો બનાવવામાં જ રચ્યાં-પચ્યાં રહેતાં હોવાને કારણે આ પ્રકારના અસામાજિક તત્ત્વોએ માથુ ઊંચકવાની અસામાજિક હિંમત કરી હોય તેમ લાગી રહ્યું છે. આવી પરિસ્થિતિ જો કાયમી રહેશે તો આવનારા સમયમાં આના ગંભીર પરિણામો લોકોને ભોગવાનો વારો આવશે. છતા તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે.