માંગરોળના ધામડોદ ખાતે મહિલા આયોગ ચેરમેનના અધ્યક્ષસ્થાને ‘તમારા અધિકારો જાણો’ વિષય પર સેમિનાર

માંગરોળના ધામડોદ ખાતે મહિલા આયોગ ચેરમેનના અધ્યક્ષસ્થાને ‘તમારા અધિકારો જાણો’ વિષય પર સેમિનાર
Spread the love

નારી અદાલત મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની છે : લીલાબેન અંકોલીયા

 

ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલિયાના અધ્યક્ષ સ્થાને માંગરોળ તાલુકાના ધામડોદ સ્થિત પી. પી.સવાણી યુનિવર્સિટી ખાતે ‘નો યોર રાઈટ્સ’ એટલે કે, તમારા અધિકારો જાણો વિષય પર સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલિયાએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં યુવક-યુવતિઓ શાળા-કોલેજ કક્ષાએથી જ જાગૃત અને સતર્ક રહે તેવા આશયથી મહિલા જાગૃતિ માટેના સેમીનાર યોજવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૫થી મહિલા આયોગની સ્થાપના થઇ ત્યારથી જ આયોગ રાજ્યની મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

આજ સુધીમાં સમગ્ર રાજયમાં ૨૭૦ નારી અદાલત શરૂ થઈ ચૂકી છે. રાજ્યના નારી અદાલતનું મોડલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી રાષ્ટ્રીય કક્ષાએ સ્થાપિત થઈ રહ્યું છે. મહિલા આયોગ નારી સંરક્ષણ કાયદાઓથી કોઈ નિર્દોષ પુરુષ તેનો ભોગ ન બને તે પણ સુનિશ્ચિત કરે છે. આજના આધુનિક યુગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાને મળતા અધિકારો પ્રત્યે જાણકારી હોવી ખૂબ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

શ્રીમતિ અંકોલીયાએ કહ્યું હતું કે, મહિલા આયોગ દ્વારા રાજ્યના સામાન્ય પરિવારો ઘરેલુ પ્રશ્નો નાની-નાની સમસ્યામાં સમાધાનકારી વલણ અપનાવી કોઈ પરિવારનું ઘર ન તૂટે અને કોર્ટ-કચેરીના ચક્કરમાં ન પડે તે માટે પણ જાગૃતિનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે. સારા અને સુદઢ સમાજનું નિર્માણ કરવા માટે સંસ્કારી વ્યક્તિઓની જરૂર હોય છે, જેથી વિદ્યાર્થીઓ સમાનતા સાથે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટેના સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

મહિલા આયોગના સભ્ય સચિવ શ્રીમતી વીણાબેન પટેલે જણાવ્યું હતું કે, મહિલા આયોગ મહિલાઓના બંધારણીય અધિકારો, સ્ત્રી સુરક્ષા અને સ્ત્રીઓ પર થતા માનસિક શારીરિક યાતના જાતીય સતામણી સામે રક્ષણ એવા બહુવિધ કાર્યો કરી રહી છે. તેમણે મહિલા આયોગની સમગ્રલક્ષી કામગીરીનો ચિતાર આપ્યો હતો  આ પહેલા રાજ્યની ૨૫ યુનિવર્સિટીઓમાં  મહિલા જાગૃતિ વિશે સેમિનારો યોજીને આયોગે યુવા વિદ્યાર્થીઓને જાગૃત કર્યા અંગેની વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે પી.પી. સવાણી ગૃપના ટ્રસ્ટીશ્રી વલ્લભભાઈ સવાણી, સેક્રેટરીશ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ, વુમન ફોરમના સુજાતા રાવ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં પી.પી.સવાણી યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ડો.પરાગ સંઘાણીએ મહેમાનોને આવકારી સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમોની વિગતો આપી હતી.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!