બનાસકાંઠામાં રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત વિવિધ સ્થળોએ ખેલ સ્પર્ધા યોજાઇ

પાલનપુર
ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે હોકીમાં નામના અપાવનાર મેજર ધ્યાનચંદના જન્મ દિવસ તા. ૨૯મી ઓગષ્ટને સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો સહિતની શૈક્ષણીક સંસ્થાઓ ખાતે વિવિધ રમતોની સ્પર્ધા યોજાઇ હતી.
રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને રમતગમત અધિકારીની કચેરી દ્વારા પાલનપુર ખાતે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ સ્કુલ કેમ્પસમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લાવાસીઓએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ફીટ ઈન્ડિયા મુવમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
સ્પોર્ટસ ડે ની ઉજવણી પ્રસંગે પાલનપુર ગુરૂકુળ સ્કુલના સંચાલક શ્રી રંગસ્વામી મહારાજે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું કે આપણા દેશને સમગ્ર વિશ્વમાં હોકીની રમતમાં નામના અપાવનાર મેજર ધ્યાનચંદની યાદમાં આજે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફીટ ઇન્ડીયા મુવમેન્ટની શરૂઆત કરાવી છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે સરકાર લોકોના હિતમાં અલગ અલગ કાર્યક્રમો ચલાવે છે. તેમણે કહ્યું કે ડાયટ નહીં પરંતુ પુરતા પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક લઇ શરીરને કસરતના માધ્યમથી તંદુરસ્ત ફીટ રાખીએ. દરેક પ્રકારની રમતો અને કસરતો દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે થાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચ, વોલીબોલ સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ફિટનેસ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ મંડળના જિલ્લા સંયોજકશ્રી ગૌરાંગભાઇ પાધ્યા, અગ્રણીશ્રી ગિરીશભાઇ જગાણીયા,જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી પ્રજાપતિ, નાયબ જિ. પ્રા. શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી મુકેશભાઇ ઘોયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિંમતભાઇ કાપડી, મા. શિક્ષણ કચેરીના શ્રી પી. કે. સોલંકી સહિત વિવેકાનંદ મંડળના સંયોજકો, શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.