કેવડીયા ખાતે જલસાગર અને જનસાગરનો અનોખો સંગમ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટરફ્લાય પાર્ક, કેક્ટર્સ ગાર્ડન, ઇકો ટુરિઝમ જેવી પ્રકૃતિ અને પ્રવૃતિનું અદભુત સંગમ સ્થાન છે. એટલું જ નહીં પરંતું પર્યાવરણના જતનની સાથે સાથે વિકાસ પણ થઈ શકે છે તે બાબત કેવડિયામાં પુરવાર થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સરદાર સરોવર ડેમ, જળાશય પૂર્ણ સપાટીએ પહોંચતા નર્મદા નીરના વધામણાં, નમામી દેવી નર્મદે, જન ઉત્સવ આજે કેવડિયા ખાતે યોજાયો હતો. વડાપ્રધાનએ અહીં નર્મદા નીરને વધાવ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, વિશાળ જળરાશીને વધાવવા ઉમટેલો જનસાગર કેવડિયાને નવી ઓળખ અને ઊંચાઈ આપશે તે નિશ્ચિત છે. નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં આનંદ છલકે છે. આજે ૧૩૮ મીટરની પૂર્ણ જળાશય સપાટીએ ડેમ પરથી જલસાગર વહી રહ્યો છે. આજે ગુજરાત સહિત દેશ આખા માટે આનંદનો અવસર છે.
ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર એમ ચાર રાજ્યોને નર્મદાનો લાભ મળ્યો છે. પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે તેમ આપણાં શાસ્ત્રોમાં વર્ણવાયું છે. પ્રકૃતિના જતન સાથે વિકાસ સાધી શકાય છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કેવડિયા છે. આજે કેવડિયાના અનેક પ્રકલ્પો ખુલ્લા મુકાયા છે. પાણી, વીજળીની સાથે કેક્ટર્સ ગાર્ડન, બટરફ્લાય પાર્ક, ફલાવર વેલી એ અર્થમાં કેવડિયા પ્રકૃતિ, પર્યાવરણ અને સરદાર પટેલની કટિબદ્ધતા અને વિકાસનું સમન્વય બન્યું છે એમ તેમને ઉમેર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે, આજે વિશ્વકર્માની પણ જન્મજયંતિ છે ત્યારે, નવા ભારતના નિર્માણમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતાની આવશ્યકતા છે ત્યારે ભારત એ દિશામાં આગળ વધી રહ્યું છે. સરદાર પટેલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, સરદાર પટેલ એકતા, અખંડિતતાના પ્રતિક સમાન હતા. તેમની પ્રેરણાથી ભારત નવી દિશાઓ, ઊંચાઈઓને પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ છે.
મોદીએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં નર્મદા ડેમ ૧૨૧ મીટરથી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં અનેક લોકોનું યોગદાન છે, તેમને નમન કરું છું. આજે સમગ્ર ગુજરાતમાં ઉત્સવનો માહોલ છે. ગુજરાત સહિત દેશમાં નદીઓ, તળાવો શુદ્ધિકરણ સાથે વૃક્ષારોપણ અભિયાન ચાલી રહ્યું છે તેને તેમણે બિરદાવ્યું હતું.
દેશમાં જળ સંરક્ષણનું આંદોલન સફળ થશે તે નિશ્વિત છે. રાજ્યમાં જનભાગીદારીથી થતા કામોને આગવો ઓપ આપીને પૂર્ણ કરાયાં છે. ગુજરાતના આ અભિયાનને હવે દેશ આખામાં આગળ વધારવું છે, એમ તેમણે ઉમેર્યું હતું. અગાઉ માત્ર ૮ હજાર પરિવારોને સિંચાઈનો લાભ મળતો હતો. આજે ૧૯ લાખ હેકટર જમીનને સિંચાઈ અને ૧૨ લાખ પરિવારોને તેનો લાભ મળતો થયો છે. ‘પર ડ્રોપ, મોર ક્રોપ’-ટપક સિંચાઈ જેવા અભિયાનો તેના પાયામાં છે, એમ તેમણે ઉમેર્યું હતુ.
મોદીએ જણાવ્યું કે, પાણી એ પારસમણિ છે, ત્યારે આજે નર્મદાનું પાણી એ માત્ર પાણી જ નહીં, પરંતુ પારસ છે, જે માટીને સ્પર્શ કરતા જ સોના જેવી સિદ્ધિ આપે છે. વર્ષ ૨૦૦૧ સુધી રાજ્યમાં માત્ર ૨૬ ટકા ઘરોમાં નળથી પાણી પહોંચતું હતું. આ સિદ્ધિ માટે પાંચ દાયકા વિતી ગયા. આજે રાજ્યના ૭૮ ટકા ઘરોમાં નળથી પાણી પહોંચે છે. આ બાબતને રાષ્ટ્રવ્યાપી બનાવી દેશના દરેક ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવું છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સિંચાઈની સુવિધા વધવાથી રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે રોકડીયો પાક લેતા થયા છે. તેના પગલે રાજ્યના અનેક ખેડૂત પરિવારોની આવક વધી છે. દેશમાં વર્ષ-૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય છે. કેન્દ્ર સરકારે આ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે.
પાણીનો ઉપયોગ પીવા, સિંચાઈ ઉપરાંત વાહન વ્યવહારમાં પણ કરવાનો અભિગમ અમે અપનાવ્યો છે. ઘોઘા-દહેજ રો રો ફેરી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પર્યાવરણની રક્ષા સાથે નાણાં, ઇંધણ બચાવવાનો ધ્યેય છે. અત્યાર સુધી ૩.૨૫ લાખ મુસાફરોએ તેનો લાભ લીધો છે. ભવિષ્યમાં હજીરા-મુંબઇ વચ્ચે પણ રો રો ફેરી શરૂ કરીને વોટર ટુરિઝમ વધારવાનો અભિગમ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ આખા માટે પ્રવાસનનું આકર્ષણ બન્યું છે. પ્રતિ દિન ૮૫૦૦ લોકો અહીં આવે છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન જ નહીં પરંતુ અહીંના વિકાસ માટેનું મહત્વનું માધ્યમ બન્યું છે. નિર્માણ પછીના માત્ર ૧૧ માસમાં ૨૩ લાખ લોકોની મુલાકાત સ્વંયમ એક વિક્રમ છે. આ પ્રતિમા એ સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવાનું માધ્યમ બન્યું છે.
પ્લાસ્ટિકના ઉપયોગનો ઉલ્લેખ કરી મોદીએ જણાવ્યું હતું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લાવવો પડશે. પ્લાસ્ટિકના અમર્યાદ ઉપયોગના પગલે આપણાં પર્યાવરણ પર અવળી અસર પડી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી આપણાં જળ જમીનને નુકસાન થયું છે. આપણે કેવડીયામાં પણ એ બાબતે જાગૃતિ રાખવી પડશે.
મોદીએ ઉમેર્યું હતું કે, ૧૭મી સપ્ટેમ્બર હૈદરાબાદ મુક્તિ દિન તરીકે પણ મનાવાય છે. જો સરદાર પટેલે દુરંદેશી ના રાખી હોત તો ભારત આજે અનેક સમસ્યાઓનો સામનો કરતું હોત. જમ્મુ કાશ્મીર, લદાખના લોકોને ૭૦ વર્ષ સુધી ભેદભાવનો સામનો કરવો પડયો. સરદાર સાહેબની પ્રેરણાથી ભારતે એક મહત્વનો નિર્ણય લીધો અને ૩૭૦ / ૩૫એ કલમ દૂર કરી.
ભારતની એકતા, શ્રેષ્ઠતા માટે પોતાની કટિબદ્ધતા તેમને દોહરાવી હતી. સરકારના બીજા કાર્યકાળમાં માત્ર ૧૦૦ દિવસમાં કેન્દ્ર સરકારે અનેક નિર્ણયો લીધા છે. એટલું જ નહીં રાષ્ટ્રના વિકાસની ગતિને વધુ તેજ બનાવી છે. તેનો લાભ લોકોને મળશે તેમ તેમણે જણાવ્યું હતું. ભારતનાં વિકાસ માટે ગુજરાતનો વિકાસ અને દેશની ભલાઈ માટે ગુજરાતની ભલાઈના કર્મ મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દેશના રાજ્યનો સમુચિત અને સુયોગ્ય વિકાસ કરવાનાં ધ્યેય સાથે અમે કટિબદ્ધ છીએ એમ તેમને જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાનના હસ્તે સરદાર સરોવર જળાશયની જળરાશી પૂર્ણ સપાટીએ ભરાતા નીર વહાવવાનો ઐતિહાસિક અવસર છે. ૧૯૪૬મા સરદાર પટેલે નર્મદા ડેમ નિર્માણનું સ્વપ્ન સેવ્યું, અને આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્વપ્ન સાકાર કર્યું છે. જળ વધામણાંની સાથે તેમનો જન્મદિન હોઈ સોનામાં સુગંધ ભળ્યા જેવો અવસર છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આજે ગુજરાતના એક એક ઘર માટે અવસરનો પ્રસંગ આવ્યો છે. માં નર્મદા અને નર્મદા યોજના આપણી વચ્ચે સાત સાત દાયકાથી, રાજ્યનો પ્રાણ રહ્યો છે. અગાઉ ૧૨૧ મીટરે ડેમ ભરાતો હતો, આજે ૧૩૮ મીટરની સપાટીએ પહોંચતા ૧૦ હજાર ગામ, ૧૭૦ નગરો, અને ૧૮.૫ લાખ હેકટર જમીનને સિંચાઇની સુવિધા મળશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદી તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નર્મદા વિરોધી તત્વો સામે પડકારરૂપ બન્યા હતા. વડાપ્રધાન પદે શાસન દાયિત્વ સંભાળ્યા પછી પછી માત્ર ૧૭ દિવસમાં ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપી, અને આજે ગુજરાતનું સ્વપ્ન સાકાર થયું છે. આજે ગુજરાત વિકાસની વધુ એક મોટી છલાંગ ભરવા સમર્થ બન્યુ છે. નરેન્દ્રભાઈ મોદીએ ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હાંસલ કરવા કરેલા આહવાનને પૂર્ણ કરવા ગુજરાત એક માધ્યમ બનશે, એમ તેમણે ઉમેર્યું હતું.
કેવડીયાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ, પુણ્યસલીલા માં નર્મદાનું શાસ્ત્રોક્તવિધિથી પૂજન અર્ચન કર્યા બાદ, વૈશ્વિક પર્યટન સ્થળ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આકાર લઈ રહેલા નવા પર્યટન પોઇન્ટ્સની પણ જાતમુલાકાત લીધી હતી. આ વેળા તેમની સાથે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સહિત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ વિગેરે જોડાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અહીં ખલવાણી ઇકો ટુરીઝમ સાઇટ સહિત રીવર રાફટીંગ ડેમોનસ્ટ્રેશન, જંગલ સફારી, કેક્ટર્સ ગાર્ડન, અને બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક સહિત દત્ત મંદિરની પણ મુલાકાત લીધી હતી. મહાનુભાવોની આ મુલાકાત વેળા સરદાર સરોવર નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી રાજીવ ગુપ્તા, તથા અધ્યક્ષ શ્રી કે.કૈલાસનાથને તેમને જરૂરી જાણકારી પુરી પાડી હતી.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, ધારાસભ્યઓ, સરદાર સરોવર નર્મદા નિગમના જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટરશ સંદીપકુમાર, જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમીનીસ્ટ્રેટર આઇ.કે. પટેલ, વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ – અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપળા