‘મહા’ અસર ઃ ૩ લાખ હેક્ટર જમીનમાં ડાંગરનાં પાકને નુકસાન થતા ખેડૂતોને હાલાકી

સુરત,
મહા વાવાઝોડાને પગલે રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોનાં ઊભો પાક નાશ પામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદનાં કારણે ડાંગરનાં પાકને ઘણું જ નુકસાન થયું છે. એક અંદાજ પ્રામાણે એકલા સુરતમાં ૩ લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે. આ ખેડૂતોનો ડાંગરનો તૈયાર પાક નષ્ટ પામ્યો છે. જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંગરોળમાં સૌથી વધુ ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઓલપાડમાં ૧૧ મિમિ, સુરત સિટીમાં ૧૦ મિમિ, ચોર્યાસીમાં ૮ મિમિ, કામરેજમાં ૩ મિમિ અને નવસારી જિલ્લામાં જલલાપોરમાં ૧૧ મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે સવારે આવેલા વાતાવરણમાં પલટાથી ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ૪૧ મિમિ વરસાદ નોંધાયો છે. માંડવીમાં ૪ મિમિ, કામરેજમાં ૩ મિમિ, પલસાણામાં ૩ મિમિ વરસાદ નોંધાયો છે.
ખેડૂતો પોતાની આપવીતિ જણાવતા કહી રહ્યાં છે કે, ‘અમારો તૈયાર પાક પલળી ગયો છે. જા હવે એકવાર ફરીથી વરસાદ પડશે તો આ પાક ઢોરને ખાવા માટે પણ કામ નહીં લાગે. અહીંનાં ખેડૂતોનો મુખ્ય ધંધો પશુપાલન અને ખેતીનો છે. જેમાંથી ખેતી તો આ વખતે સંપૂર્ણપણે નાશ પામી છે. જેનાથી પશુઓને ખવડાવવાનો ધાસચારો પણ બચ્યો નથી જેથી આ વર્ષે પશુઓને ખવડાવવાનાં પણ વાંધા છે.’